ક્રૂડ તેલના ભાવ સાડા ત્રણ વર્ષની ટોચે : નવી દિલ્હી, તા. 9 : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની અસરથી વૈશ્વિક
બજારમાં કાચાં તેલની કિંમત સાડા ત્રણ વર્ષની ટોચ પર પહોંચી ગઈ છે. ક્રૂડતેલના ભાવ સોમવારે
25 ટકા વધીને 116 ડોલર
પ્રતિ બેરલ પર પહોંચી ગયા હતા. અગાઉ 2022માં
રશિયા-યુક્રેન યુદ્ધનાં કારણે કિંમત 100 ડોલરને
પાર ગઈ હતી. કાચાં તેલના ભાવમાં ભડકાનાં બે કારણ છે. એક તો લગભગ 167 કિ.મી. લાંબો જળમાર્ગ `સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' લગભગ બંધ થઈ ગયો
છે. બીજાં કારણમાં ઈરાને કતાર, કુવૈત અને સાઉદી અરેબિયાની ઓઈલ
રિફાઈનરીઓ પર હુમલા કર્યા છે. દરમ્યાન, જાણકારોના મતે તેલની કિંમત
150 ડોલર પ્રતિ
બેરલ સુધી પહોંચી શકે છે, જેની અસર હેઠળ ભારતમાં પેટ્રોલ,
ડીઝલના ભાવો વધી શકે છે. જો કે, ભારત સરકારનું
સ્પષ્ટ કહેવું છે કે, અમારી પાસે તેલનો પર્યાપ્ત પુરવઠો છે. ભારત
પોતાની ખપતનું 50 ટકા
કાચું તેલ `સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'ના રસ્તેથી જ ખરીદે છે. યુદ્ધ 28 ફેબ્રુઆરીના
શરૂ થયા પછીથી અત્યાર સુધી 10 દિવસમાં
કાચાં તેલની કિંમત 60 ટકા જેટલી વધી ગઈ છે. - રૂપિયો વિક્રમી તળિયે : નવી દિલ્હી, તા. 9 : `મહાયુદ્ધ' વચ્ચે ભારતીય રૂપિયો અમેરિકી ડોલર
સામે 46 પૈસા નીચો જઇને 92.33 રૂપિયા સાથે વિક્રમી તળિયે સરકી ગયો હતો. મધ્ય-પૂર્વમાં
યુદ્ધથી બગડતી સ્થિતિ વચ્ચે વૈશ્વિક બજારમાં કાચાં તેલની કિંમતોમાં પણ વધારો આવ્યો
છે. સાથોસાથ ડોલર પણ મજબૂત થવાથી રૂપિયામાં ઘટાડો આવ્યો છે. જાણકારોના જણાવ્યાનુસાર, જ્યાં સુધી યુદ્ધની આગ નહીં શમે, ત્યાં સુધી રૂપિયા પર
આવું દબાણ રહી શકે છે. ચાલુ વર્ષે રૂપિયામાં અત્યાર સુધી બે ટકાનો ઘટાડો આવી ચૂક્યો
છે, જેનાં પગલે રૂપિયો 2026માં દુનિયાની ઊભરતી બજારોમાં સૌથી નબળું પ્રદર્શન કરનાર
ચલણોમાંથી એક બની ગયો છે. ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ વીતેલા ગુરુવારની જેમ જ સોમવારે
પણ બજાર ખૂલવાથી પહેલાં હસ્તક્ષેપ કર્યો હતો. આરબીઆઇના હસ્તક્ષેપનાં કારણે રૂપિયો 92.19નાં સ્તર પર ખૂલ્યો હતો, જે બજારની આશાઓથી થોડું સારું સ્તર હતું. જો કે, કારોબાર
(ટ્રેડિંગ) શરૂ થતાં જ રોકાણકારો અને તેલ કંપનીઓ તરફથી ડોલરની ખરીદી તેજ થઇ ગઇ હતી. - એક જ દિ'માં 8.5 લાખ કરોડની મૂડી સાફ : નવી દિલ્હી, તા. 9: ઈરાન ઉપર અમેરિકા અને ઈઝરાયલનાં આક્રમણે ક્રૂડ ઓઈલનાં
ભાવમાં ઘડકો કરી નાખ્યો છે. બ્રેંટ ક્રૂડ ઓઈલનો ભાવ 10પ ડોલર થઈ ગયો હતો અને કોમોડિટી બજારમાં આજે ક્રૂડ
ઓઈલનો ભાવ 10 હજારની સપાટીને સ્પર્શી જતાં દુનિયા
સાથે ભારતીય શેરબજારમાં પણ હાહાકાર મચી ગયો હતો. જેમાં નાસભાગ મચી હોય તેવી વેચવાલીમાં
આજે બીએસઈનો શેરઆંક સેન્સેક્સ 1.71 ટકા
એટલે કે 13પ2 અંક તૂટીને 77પ66નાં સ્તરે અને એનએસઈનો ઈંડેક્સ નિફ્ટી 422 પોઈન્ટ તૂટીને 24028નાં
સ્તરે બંધ આવ્યો હતો. એક જ દિવસમાં સાડા આઠ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ જતાં રોકાણકારોને
રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો. છેલ્લા એક અઠવાડિયામાં 34 લાખ કરોડ ડૂબી ચૂકયા છે. અમેરિકા અને ઈઝરાયલે તહેરાનનાં
ઓઈલ ભંડારોને નિશાન બનાવ્યા બાદ ઓઈલની અછત સર્જાવાની દહેશત ફેલાઈ ગઈ છે. વળી, ઈરાને દાવો કર્યો છે કે, અમેરિકાની નજર ઈરાનનું ઓઈલ હડપ
કરી જવા ઉપર છે. યુદ્ધનાં હિસાબે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઓઈલ પરિવહન ખોરવાતા ઓઈલનું
સંકટ ઝળુંબતું જ હતું અને તેમાં બળતામાં ઘી હોમવાનું કામ ઈઝરાયલે ઈરાનનાં ઓઈલ ભંડારો
ઉપર હુમલાએ કર્યું છે. વળી સ્થિતિ વધુ વકરી જવાની હોવાની આગાહી કતારનાં ઊર્જા મંત્રીએ
કરી નાખી હતી. તેમનાં કહેવા અનુસાર જો આ સ્થિતિ યથાવત્ રહેશે તો ઓઈલનો ભાવ 1પ0 ડોલરને
પણ આંબી જઈ શકે છે. ભારતીય શેરબજારમાંથી વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ગત વર્ષથી પલાયન
શરૂ કરી દીધું છે અને વર્તમાન સંજોગોએ તેમની રવાનગીને વધુ તીવ્ર બનાવી નાખી છે. જેનાં
હિસાબે ઘરેલું સંસ્થાગત રોકાણકારોની મોટી ખરીદી પણ શેરઆંકોને બચાવી શકી નથી. બજારમાં
અનિશ્ચિતતાનો અંદાજ ઈન્ડિયા વિક્સ(વોલેટિલિટી ઈંડેક્સ) ઉપરથી પણ લગાવી શકાય છે. જેમાં
21 ટકાનો ઉછાળો નોંધાયો છે. ઈન્ડિયા વિક્સ વધીને 24.04નાં સ્તરે પહોંચ્યો છે. ઘરેલું બજારમાં પીએસયુ બેન્ક
પ ટકા, ઓટો 4 ટકા, ફાયનાન્સિયલ 3.7 ટકા, મીડિયા 3.4 ટકા
અને મેટલ સેક્ટર 3 ટકા તૂટી ગયા છે. એફએમસીજી, આઈટી અને ફાર્મા જેવા ક્ષેત્રોનાં શેરઆંકમાં પ્રમાણમાં ઓછો ઘટાડો દેખાઈ રહ્યો
છે.