આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 17 : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધીના નિકટના સામ પિત્રોડાએ નવો વિવાદ સર્જી નાખતાં નિવેદનમાં જણાવ્યું હતું કે, ચીન તરફથી ખતરો છે તેવું વધારીને કહેવાય છ. ચીન આપણું દુશ્મન નથી. ભારતે ચીનને દુશ્મન માનવાનું બંધ કરી દેવું જોઇએ. હવે સમય આવી ગયો છે કે, આપણે પાડોશી દેશને ઓળખીએ અને તેનું સન્માન કરીએ, તેવું તેમણે કહ્યું હતું. દરમ્યાન, સામ પિત્રોડાના નિવેદન બાદ કોંગ્રેસ પક્ષે તેમનાથી અંતર જાળવ્યું છે તેમજ કોંગ્રેસ પક્ષે જણાવ્યું હતું કે, આ પક્ષના વિચાર નથી એમના વ્યકિતગત મંતવ્યો છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર જણાવ્યું હતું કે, સામ પિત્રોડા દ્વારા કથિત રીતે ચીન અંગે અપાયેલાં નિવેદનો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વિચારો નથી. કેસરિયા પક્ષના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કોંગ્રેસ નેતાનાં આ નિવેદન પર પલટવાર કરતાં કહ્યું હતું કે, સામ પિત્રોડાની ટિપ્પણી પરથી જ તેઓ ચીનની સાથે છે અને ભારતથી નફરત કરે છે તેવું સ્પષ્ટ દેખાય છે. પિત્રોડા જેમના નિકટના સાથી છે તેવા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એવા એજન્ટ છે જે ભારતના વિકાસ વિશે ઓછી વાત કરે છે, પરંતુ ચીન અને જોર્જ સોરોસ વિશે વધુ વાતો કરે છે, તેવા પ્રહાર ભંડારીએ કર્યા હતા. રાહુલે સંસદમાં પણ પોતાના ભાષણમાં ભારત કરતાં વધુ વાતો ચીન વિશે કરી હતી. પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ પણ આપણા દેશનો અભિન્ન ભાગ ચીનને આપી દીધો હતો, તેવા પ્રહાર તેમણે કર્યા હતા. ભાજપના અન્ય નેતા અજય આલોકે પણ જણાવ્યું હતું કે, ચીન, રાહુલ ગાંધી અને કોંગ્રેસની ઘણી જૂની મિત્રતા છે. પિત્રોડા પણ એ જ સૂરમાં ચીન તરફી વાત કરી રહ્યા છે. તેમણે કટાક્ષ કર્યો હતો કે, સામ પિત્રોડા ખોટું કંઇ જ નથી બોલ્યા. કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો ચીન સાથે ઊંડો સંબંધ છે, એટલે જ ચીનને દુશ્મન માનવું ન જોઇએ, તેવું કહી રહ્યા છે. `ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ' હવે `ભારતીય રાષ્ટ્રવિરોધી કોંગ્રેસ' બની ગઇ છે, તેવા પ્રહારો કેસરિયા પક્ષના નેતાએ કર્યા હતા. અગાઉ પિત્રોડા બોલ્યા હતા કે, ભારતનો દૃષ્ટિકોણ હંમેશાં ટકરાવવાળો રહ્યો છે, જે હંમેશાં દુશ્મની પેદા કરે છે. મને નથી ખબર કે ચીનથી કયો, કેવો ખતરો છે. આ નિવેદન બાદ ભાજપના પ્રવક્તા તુહિન સિન્હાએ કહ્યું હતું કે, જે લોકોએ આપણી 40 વર્ગ કિમી જમીન ચીનને આપી તેને ચીનથી કોઈ જોખમ લાગી રહ્યું નથી. આમાં કોઈ આશ્ચર્ચ નથી કે રાહુલ ગાંધી ચીનથી ડરે છે. ચીન પ્રત્યે કોંગ્રેસનું આકર્ષણ 2008માં કોંગ્રેસ-સીસીપી એમઓયુમાં છૂપાયેલું છે. આ ઉપરાંત ભાજપ નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે, જે રીતે સામ પિત્રોડાએ સમગ્ર વાત કરી તે ગંભીર છે. ભારતની સંપ્રભુતા અને કુટનીતિ ઉપર આઘાત સમાન છે. તેમના કહેવા પ્રમાણે ચીન સાથે કોઈ વિવાદ જ નથી. ભારત જ આક્રમણકારી છે. સામ પિત્રોડાનું આ નિવેદન અલગ નથી. આ પહેલાં રાહુલ ગાંધી પણ આવા નિવેદનો આપી ચૂક્યા છે. રાહુલ ગાંધી કહી ચૂક્યા છે કે, ચીને ખૂબ જ સંઘર્ષ કર્યો છે. ચીને બેરોજગારીને દૂર કરવા સારું કામ કર્યું છે. આજે ચીનમાં બેરોજગારી દર 24 ટકા છે. આ લોકો કહે છે કે, ચીનમાં પ્રેસની આઝાદી વધારે છે. જો કે, લોકો જાણે છે કે, ચીનમાં જેક મા અને સરકારના મંત્રીઓ સહિતના લોકો કેવી રીતે ગાયબ થયા છે. ચીનની ટોપ રિયલ એસ્ટેટ કંપની નાદાર થઈ છે અને કોંગ્રેસના લોકો કહે છે કે, ચીનનો આર્થિક વિકાસ સ્થિરતાથી આગળ વધી રહ્યો છે. પિત્રોડાનું નિવેદન ગલવાન શહીદોનું અપમાન છે.