નવી દિલ્હી, તા. 25 : પ્રજાસત્તાક
દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા 139 હસ્તીને પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારોના સન્માનની જાહેરાત કરાઇ
હતી, જેમાં ગુજરાતના આઠ જણનો સમાવેશ છે. ઉપરાંત જાણીતા
ગાયક પંકજ ઉધાસને મરણોપરાંત પદ્મભૂષણ સન્માન મળ્યું છે. અમદાવાદના જાણીતા કથ્થક નૃત્યાંગના
કુમુદિનીબેન લાખિયા સહિત સાતને પદ્મવિભૂષણ, કેડિલા હેલ્થકેરના
વડા પંકજ પટેલ, શેખર કપૂર, પી.આર. શ્રીજેશ,
સુશીલકુમાર મોદી (મરણોપરાંત), પંકજ ઉધાસ (મરણોપરાંત),
સાધ્વી ઋતુંભરા સહિત 19ને પદ્મભૂષણ અને જન્મભૂમિ પત્રોના કટાર લેખક તુષાર શુક્લ, અયોધ્યામાં રામમંદિરમાં આર્કિટેકટ તરીકે ભૂમિકા
ભજવનારા ગુજરાતના ચંદ્રકાંત સોમપુરા, જાણીતા સર્જક ચંદ્રકાંત
શેઠ (મરણોપરાંત), હાલમાં જ નિવૃત્તિ જાહેર કરનારા આર. અશ્વિન,
વણાટ કલાના કસબી ભાવનગરના લવજીભાઇ પરમાર, રક્તપિતના
દર્દીઓની સેવા બદલ સાબરકાંઠાના સુરેશ હરિલાલ સોની, ગુજરાતના જ
રતનકુમાર પરિમુ, લોકપ્રિય ગાયક અરિજિતસિંહ, ગાયિકા જસપિંદર નરુલા, અશોક શરાફ સહિત 113ને પદ્મશ્રી એવોર્ડ જાહેર કરાયો
છે. પદ્મ એવોર્ડના વિજેતાઓમાં આ વખતે અનેક લોકો એવા છે જે પ્રસિદ્ધિ અને ઝાકઝમાળ વિના
યોગદાન આપી રહ્યા છે. સરકારે કુવૈતની યોગ ટ્રેઇનર શેખા અલીઅલ જાબર અલ સબાહ, અમેરિકાના સ્ટીફન નેપ્પ (સાહિત્ય અને શિક્ષણ),
સેતુરામન પંચનાથન (વિજ્ઞાન અને એન્જિનીયરિંગ), બ્રાઝિલના વેદાંત ગુરુ જોનાસ માસેટી વગેરેને પણ પદ્મશ્રી મળશે. એ સિવાય સાત
પ્રતિભાને પદ્મવિભૂષણથી પોંખવાની ઘોષણા કરાઇ છે. કલા ક્ષેત્રે બિહારના પ્રસિદ્ધ લોકગાયિકા
શારદાસિંહ (મરણોપરાંત), કર્ણાટકના લક્ષ્મીનારાયણ સુબ્રમણ્યમને
આ સન્માન જાહેર કરાયું છે. દવા ક્ષેત્રે તેલંગાણાના દુવ્વુર નાગેશ્વરા રેડ્ડી,
જાહેર બાબતો માટે ચંદીગઢના પૂર્વ ન્યાયમૂર્તિ જગદીશસિંહ ખેહર,
શિક્ષણ, સાહિત્ય માટે કેરળના એમ.ટી. વાસુદેવન નાયરને
મરણોત્તર, વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે સુઝુકી મોટર્સના પૂર્વ સીઇઓ
ઓસામુ સુઝુકીને મરણોત્તર પદ્મવિભૂષણ અપાશે. દેશની 19 પ્રતિભાને પદ્મભૂષણથી સન્માનિત
કરવાનું એલાન કરાયું હતું. કલા ક્ષેત્રે કર્ણાટકના અનંતનાગ, જાહેર વહીવટ માટે મહારાષ્ટ્રના મનોહર જોશીને
મરણોત્તર, તેલુગુ સુપરસ્ટાર એન. બાલકૃષ્ણનને પદ્મભૂષણથી સન્માનિત
કરાશે. પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં 23 મહિલાઓ છે, તો 13 પ્રતિભાઓ એવી છે, જેમને મરણોત્તર પદ્મ પુરસ્કારોની જાહેરાત કરાઇ
છે. પદ્મશ્રી પુરસ્કારો માટે આ વખતે ઘણી એવી હસ્તીઓ પસંદ કરાઇ છે, જે ઓછી જાણીતી અથવા પ્રસિદ્ધિની ઝાકઝમાળથી દૂર રહી છે. ગોવાના આઝાદી આંદોલનમાં
ચાવીરૂપ ભૂમિકા ભજવતાં પોર્ટુગલનાં શાસન સામે લોકોને એકજૂટ કરવા માટે 1955માં એક જંગલી વિસ્તારમાં `વોઇસ ઓફ ફ્રીડમ' રેડિયો સ્ટેશન સ્થાપનાર 100 વર્ષના સ્વાતંત્ર્ય સેનાની
લીબિયા લોબો સરદેસાઇનાં પ્રદાનને પદ્મશ્રીથી પોંખાશે. રાજસ્થાનનાં લોકગાયિકા બતુલ બેગમ, દિલ્હીના ત્રીરોગ તજજ્ઞ ડો. નીરજા ભટલા,
સામાજિક કાર્યકર ભીમસિંહ ભાવેશ, નાગાલેન્ડના કિસાન
એલ. હૈંગયિંગનુંયે પદ્મશ્રીની યાદીમાં નામ છે. એસબીઆઇના પૂર્વ અધ્યક્ષ અરુંધમ ભટ્ટાચાર્ય,
તાજેતરમાં જ નિવૃત્ત થયેલા ક્રિકેટર આર. અશ્વિન, પૂર્વ હોકી ગોલકીપર પી.આર. શ્રીજેશનુંયે પદ્મશ્રીથી સન્માન થશે.