• શુક્રવાર, 13 માર્ચ, 2026

13 દિ'માં 23 લાખ કરોડ ધોવાયા

મુંબઈ, તા. 12 : મધ્ય-પૂર્વનાં યુદ્ધથી ભારતની શેરબજાર લોહીલુહાણ થઈ ગઈ છે. ગુરુવારે પણ નિફટી 227.70 અને સેન્સેક્સ 829 પોઈન્ટ ઘટીને બંધ થઈ ગયા છે. લડાઈ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી રોકાણકારોની 23 લાખ કરોડની મૂડી ધોવાઈ ગઈ છે.  ઓટો અને બેન્કિંગની આગેવાની હેઠળ બજારમાં ગુરુવારે પણ ઘટાડો આગળ વધતાં અને નિફ્ટીએ ચાલુ બજારે 23,600ની અગત્યની સપાટી તોડી 23,556 દેખાડતાં બજારમાં સોપો પડી ગયો હતો. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર 101.59 સુધી ફરી પહોંચ્યાની અને ઇરાનની ભાવ 200 ડોલર થવાની ધમકીની અસર બજારના સેન્ટિમેન્ટ પર સ્પષ્ટ જોવા મળતી હતી. એનએસઇની આઇપીઓની તૈયારીના સમાચારે બજારનું સેન્ટિમેન્ટ સુધરશે? આ સવાલનો જવાબ તો સમય જ આપી શક્શે.  નિફ્ટી 23,866.85ના પુરોગામી બંધ સામે ગેપથી નીચે 23,674.85 ખૂલી સેન્સેક્ષ વીક્લી અૉપ્શન્સની એક્સપાયરીની કસરતમાં બપોરે દોઢ-બેની વચ્ચે 2833ના હાઇ સુધી જરૂર ગયો, પણ 23,866નું પુરોગામી બંધ ક્રોસ ન કરતાં આવેલા વેચવાલીના દબાણમાં ઘટી સત્રાંતે 0.95 ટકા, 227.70 પૉઇન્ટ્સનાં ગાબડાંએ  23,639.15 બંધ હતો. સેન્સેક્ષ 829 પૉઈન્ટ્સ, 1.08 ટકાના લોસે 76,034 થઇ ગયો હતો. આમ સેન્સેક્ષ વીક્લી અૉપ્શન્સની એક્સપાયરી નરમાઇ ભરી રહી હતી. એનએસઇમાં વાયદાની માન્યતાવાળા સૂચકાંકો નિફ્ટી બૅન્ક વધુ 1.14 ટકા તૂટી 55,100.95, નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસીસ 0.99 ટકાના લોસે 25,663, નિફ્ટી નેક્સ્ટ 50 મામૂલી 0.11 ટકાના નુકસાને 66,424.55 અને નિફ્ટી મિડકૅપ સિલેક્ટ પણ નામ માત્ર 0.01 ટકો ઘટી 12,961.15 બંધ હતા. અૉટો ઇન્ડેક્સ ગુરુવારે વધુ 3.19 ટકા તૂટી 25,098 પર આવી ગયો હતો. ગુરુવારે રૂપિયો પણ રેકૉર્ડ નીચા સ્તરે પહોંચ્યો હતો. રૂપિયો યુએસ ડૉલર સામે 92.36ના રેકૉર્ડ નીચા સ્તરે પહોંચ્યો હોવાથી વિદેશ વ્યાપાર મોરચે ચિંતા વધી હતી. નિફ્ટી લુઝર્સમાં  મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા, મારુતિ સુઝુકી અને આઇશર મોટર્સ ટોપ લુઝર્સ હતા. - હવે શું થઇ શકે? : નિફ્ટી 24,300ના રેસિસ્ટન્સ પર પહોંચી ઘટવા લાગ્યો છે. આ ઇન્ડેક્સે 24,150નો તાત્કાલિક સપોર્ટ અને 23,800ના સપોર્ટ પણ તોડયા છે. તે પછીનો સપોર્ટ 23,600 તોડીને ગુરુવારે ઇન્ટ્રાડેમાં 23,556 સુધી જઇ આવી બંધ 23,639 આપ્યું હોવાથી હવે 23,400-23,200ના ઝોનને ઘણા એનાલિસ્ટો સ્ટ્રોંગ સપોર્ટ ઝોન ગણે છે. એ પણ તૂટે તો તેથી નીચે 22,800ને લાંબા ગાળાનું સપોર્ટ લેવલ ગણવામાં આવે છે. અૉઇલ પ્રાઇસમાં પાછો વધારો થઇ 100 ડૉલરે પહોંચ્યો છે, એના કારણે બજાર વધુ ગબડે અને જિયોપોલિટિકલ ટેન્શન વધ્યું હોવાથી બજારનું માનસ ખરડાયું છે તેથી તેલ અને તેલની ધાર જોઇને કામ કરવાનું જ હિતાવહ ગણાય!  - રોકાણકારોની મૂડીમાંથી વધુ રૂા. બે લાખ કરોડની બાદબાકી : એનએસઇ ખાતે માર્કેટ કૅપિટલાઇઝેશન પાંચ લાખ કરોડ રૂપિયા ઘટી રૂા. 438.50 (440.37) લાખ કરોડ થઇ ગયું હતું. બીએસઇમાં એ રૂા. 440.06 (441.90) લાખ કરોડનું હતું. 

Panchang

dd