• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

વકફ અંગેની જેપીસીમાં ભારે ધમાલ : 10 સાંસદ સસ્પેન્ડ

નવી દિલ્હી, તા. 24 : વકફ સંશોધન વિધેયક ઉપર સંસદીય સમિતિની બેઠકમાં શુક્રવારે જોરદાર હંગામો થયો હતો. વિપક્ષી સભ્યોએ આરોપ મૂક્યો હતો કે વિધેયકમાં પ્રસ્તાવિત બદલાવોના અભ્યાસ માટે પૂરતો સમય અપાઈ રહ્યો નથી. હંગામા બાદ જેપીસીમાં સામેલ 10 વિપક્ષી સભ્યોને સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલ સામે વિરોધ વ્યક્ત કરવા અને પ્રક્રિયાઓને લઈને મનમાની કરવાના આરોપ લગાડયા બાદ એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. વિપક્ષી સભ્યોએ પાલ ઉપર કાર્યવાહીને એક તમાશો બનાવવાનો આરોપ મૂક્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે પાલ સરકારના નિર્દેશ ઉપર કામ કરી રહ્યા હતા. સસ્પેન્સન એક દિવસનું હોવાથી સભ્યો 27 જાન્યુઆરીએ મળનારી જેપીસીની આગામી બેઠકમાં ભાગ લઈ શકશે. આ ઘટનાક્રમ બાદ વિપક્ષી સભ્યોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને અનુરોધ કર્યો છે કે પાલ કાર્યવાહીમાં વધુ પડતી ઉતાવળ કરે નહીં અને 27મીની બેઠક મોકૂફ રાખે.બીજી તરફ જગદંબિકા પાલે બેઠકમાં અવરોધ સર્જવાના હેતુથી વિપક્ષી સભ્યોએ કરેલા આચરણની આલોચના કરી હતી. વધુમાં સમિતિના અધ્યક્ષે ટીએમસી નેતા કલ્યાણ બેનરજી ઉપર અપશબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. પાલે કહ્યું હતું કે, તેમણે બેઠકને વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કર્યો હતો અને બે વખત બેઠક સ્થગિત કરવી પડી હતી. તેમ છતાં કોઈ ફાયદો થયો નહોતો. બાદમાં ભાજપના સભ્ય નિશિકાંત દુબેએ સભ્યોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને સમિતિએ સ્વીકારી લીધો હતો.  આજે બેઠકમાં વિપક્ષી સભ્યોએ ખૂબ સૂત્રોચ્ચાર કર્યો હતો. એક તબક્કે માર્શલને પણ  બોલાવવા પડયા હતા. સસ્પેન્ડ થયેલા વિપક્ષી સભ્યોમાં કલ્યાણ બેનરજી અને નદીમ ઉલ હક (ટીએમસી) - મોહમ્મદ જાવેદ, ઈમરાન મસુદ અને સૈયદ નાસિર હુસૈન (કોંગ્રેસ), એ. રાજા અને મોહમ્મદ અબ્દુલ્લા (ડીએમકે), અસદુદ્દીન ઔવેસી (એઆઈએમઆઈએમ), મોહિબુલ્લાહ (સપા) અને અરવિંદ સાવંત (શિવસેના-યુબીટી) સામેલ છે.  ભાજપના સિનિયર નેતા જગદંબિકા પાલની અધ્યક્ષતામાં વકફ સંશોધન વિધેયક ઉપર સંયુક્ત સમિતિ કાશ્મીરના ધાર્મિક પ્રમુખ મીરવાઈઝ ઉમર ફારુકના નેતૃત્વના પ્રતિનિધિ મંડળના વિચારો સાંભળવાની છે. મીરવાઈઝને બોલાવતા પહેલા સમિતિના સભ્યોએ પરસ્પર ચર્ચા કરી હતી અને આ દરમિયાન વિપક્ષી નેતાઓ સાથેની બેઠકમાં હંગામો થયો હતો.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd