વોશિંગ્ટન, તા. 24 : અમેરિકાએ ગેરકાયદે પ્રવાસીઓ સામે વ્યાપક કાર્યવાહી શરૂ કરી
છે. આરંભે 538 ગેરકાયદે વસતા પ્રવાસી નાગરિકોને
ઝડપ્યા હતા, જેમાં એક સંદિગ્ધ આતંકવાદી
અને સગીરો વિરુદ્ધ જાતીય અપરાધના દોષી સહિતના
અપરાધીઓનો પણ સમાવેશ થાય છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કૈરોલીન લેવિટે સોશિયલ
મીડિયા પર માહિતી આપતાં કહ્યું હતું કે, ટ્રમ્પ વહીવટી તંત્રે
સૈન્ય વિમાનોના માધ્યમથી અનેક ગેરકાનૂની પ્રવાસી અપરાધીઓને નિર્વાસિત કર્યા હતા. બીજી
તરફ ટ્રમ્પનાં પગલાંને બળ આપતા બનાવમાં સંસદે આવા લોકોની અટકાયત કરવા અને દેશનિકાલ
કરવા માટેના એક કઠોર ઇમિગ્રેશન ડિટેન્શન બિલને મંજૂરી આપી છે. બીજી ટર્મમાં પ્રેસિડેન્ટ
ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર થનારો એ પહેલો કાયદો બનશે. આ બિલને લેકેન હિલે એક્ટ નામ આપવામાં
આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ઇતિહાસનું સૌથી મોટું અભિયાન
શરૂ કરવામાં આવ્યું છે. વચન અપાયા અને વચન પૂરાં કરવામાં આવ્યાં હતાં. જે 538 ગેરકાનૂની પ્રવાસી અપરાધીને ઝડપવામાં આવ્યા છે, તેમાં એ સંદિગ્ધ આતંકવાદી, ટ્રેન ડી અરાગુઆ ગેંગના ચાર સભ્ય અને સગીરો સામેના જાતીય અપરાધોના દોષીઓ સામેલ
છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફરમાન સાથે જ ગેરકાયદે પ્રવાસીઓની મોટાપાયે
ધરપકડ શરૂ કરાઈ છે, જેમને મિલિટરી પ્લેનથી દેશબહાર ધકેલવામાં
આવનાર છે. છેલ્લી સ્થિતિએ પ38 ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાથી ડિપોર્ટ કરવા કાર્યવાહી કરાઈ
છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશના 7ર કલાકમાં
અમેરિકામાં ઠેર ઠેર ગેરકાયદે પ્રવાસીઓના સર્ચ અને ધરપકડનો દોર શરૂ થયો છે. વ્હાઈટ હાઉસે
`એક્સ'
પોસ્ટથી જણાવ્યું કે, અત્યાર સુધીમાં પ38 ગેરકાયદે પ્રવાસીઓની ધરપકડ કરાઈ છે અને 373ને કસ્ટડીમાં લઈ કેમ્પમાં મોકલાયા છે. જરૂરી કાયદાકીય પ્રક્રિયા
પૂરી થયા બાદ મિલિટરી પ્લેન દ્વારા સામૂહિક રીતે દેશનિકાલ કરવામાં આવશે. અમેરિકી મીડિયા
અનુસાર વોશિંગ્ટન, ડી.સી.,
ફિલાડેલ્ફિયા, બોસ્ટન, એટલાન્ટા,
નેવાર્ક, મિયામી સહિત રાજ્યોમાં અમેરિકી એજન્ટો
દરોડા પાડી રહ્યા છે. નેવાર્કના મેયરે વોરંટ વિના આવા દરોડાનો વિરોધ કર્યો છે. ડિપોર્ટ
ઉડાનોના શરૂ થવાને રેખાંકિત કરતાં લેવિટે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ
ટ્રમ્પ આખી દુનિયાને એક મજબૂત અને સ્પષ્ટ સંદેશ આપી રહ્યા છે કે, જો તમે ગેરકાયદેસર રીતે સંયુકત રાજ્ય અમેરિકામાં પ્રવેશ કરશો તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. - અમેરિકાનાં
હવાઇ મથકે ભારતીય દંપતીને પ્રવેશ ન અપાયો : વોશિંગ્ટન, તા. 24 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર પ્રવાસીઓ બાબતે
કડક વલણ દાખવતાં ભારત સહિત વિશ્વનાં અનેક દેશોમાં હલચલ વધી છે. પ્રવાસનના નિયમોમાં
થયેલા બદલાવોથી અમેરિકા સ્થિત ભારતીયો પણ ચિંતિત છે. તેવામાં અમેરિકાનાં હવાઇ મથકેથી
ભારતીયોને પ્રવેશ ન અપાયો હોવાનું જણાયું છે. પ્રાપ્ત જાણકારી મુજબ અમેરિકાના રહેવાસી
એક ભારતીયના માતા-પિતાને પાછા ફરવાની ટિકિટ ન હોતાં અંદર આવવા પર પ્રતિબંધ ફરમાવ્યો
હતો. એક અખબારી અહેવાલ મુજબ અમેરિકા ખાતે તેના બાળકોને મળવા ગયેલા ભરતીય માતા-પિતાને
નેવાર્કનાં વિમાન મથક પર પ્રવેશ અપાયો નહોતો. આ દંપતી પાસે બી- 1/ બી.-2 વિઝા હતા. તેમણે આ આધારે પાંચ મહિના સુધી
અમેરિકામાં રહેવાની યોજના ઘડી હતી. એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમેરિકામાં રહેવા માટે રિટર્ન ટિકિટ અનિવાર્ય
છે. તેમની દલીલોનો અસ્વીકાર કરતાં અધિકારીઓએ હવાઇ મથક પરથી ભારત મોકલી દીધા હતા. આ
નિયમોની જાહેરાત થઇ ન હોવાથી લોકોમાં ચિંતા બેઠી છે. અમેરિકાના અધિકારીઓએ ભારતીયોને
પરત મૂકવા માટે 2025ના નવા નિયમોનો
હવાલો આપ્યો હતો. ટ્રમ્પની નીતિ લાગુ કરવા માટે આવનારા દિવસોમાં અમેરિકા હજી સઘન પગલાં
ભરે તેવો ભય ફેલાયો છે.