અમદાવાદ, તા.
21 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં માવઠા અંગે આગાહી
કરવામાં આવી છે. સાથે જ રાજ્યના કયા-કયા વિસ્તારોમાં કઇ-કઇ તારીખો દરમિયાન વરસાદ પડી
શકે છે, તે જણાવ્યું હતું. અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું
હતુ કે આગામી સપ્તાહના પાંચ દિવસ દરમિયાન હવામાન શુષ્ક રહેશે. જ્યારે સપ્તાહના અંતમાં
ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના જોવા મળશે.જેમાં 27મીએ ઉત્તર ગુજરાત ઉપરાંત
કચ્છ-સૌરાષ્ટ્રના ઉત્તરના ભાગોમાં માવઠું થઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો દ્વારકા,
પોરબંદર, ભાવનગર, મોરબીમાં વરસાદ જોવા મળી શકે છે. છેલ્લા 24 કલાકમાં 3 જગ્યાએ કોલ્ડવેવની
સ્થિતિ જોવા મળી હતી. જેમાં નલિયામાં 5.8, પોરબંદરમાં 10.5 અને રાજકોટમાં 9.4 અને અમમદાવાદમાં
14.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન નિષ્ણાતો દ્વારા પણ ડિસેમ્બર મહિનાનાં છેલ્લા
અઠવાડિયામાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તેમજ કેટલાક ભાગોમાં વાદળછાયું
વાતાવરણ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતુ કે તા. 27 થી 28 ડિસેમ્બરે
પશ્ચિમી વિક્ષેપ આવશે. તેમજ દેશનાં ઉત્તર-મધ્ય ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે.
તેમજ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. તેમજ બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલમાં કમોસમી
વરસાદ પડી શકે છે.