નવી દુધઇ, તા.
21 : અંજાર તાલુકાના દુધઇ નજીક શુક્રવારના રાત્રિના અરસામાં ટેન્કર સાથે ટ્રેઇલર ધડાકાભેર
અથડાયું હતું. ઘટનાને પગલે હાઇવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
હતા. ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર અકસ્માતનો આ બનાવ બન્યો હતો. ભચાઉથી ભુજ તરફ જતા ટેન્કર
નંબર જી.જે.12 બી.ટી. 7131 સાથે ધાણેટીથી સિલિકા ભરીને જતા ટ્રેઇલર નંબર આર.જે. 01
8276 વાળુ દુધઇ હાઇવે પર પેટ્રોલ પંપ પાસે અથડાયું હતું. જેથી બંને વાહનોમાં નુકશાની
પહોંચી હતી. સદભાગ્યે કોઈ જાનહાની થઇ ન હતી. અકસ્માતના 21 કલાકના સમયગાળા બાદ પણ બન્ને
વાહનો માલ સામગ્રીથી ભરેલા હોવાથી રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
દુધઇ પોલીસ દ્વારા વાહન વ્યવહાર પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. બીજી
તરફ બન્ને વાહનોને રોડ પરથી હટાવવા માટે ક્રેન મંગાવાયું હતું, પરંતુ ક્રેન નાનું આવી
જતા ગેસ કટરથી વાહનોને દૂર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ બન્ને ગાડીઓના અકસ્માતના
કારણે 6 થી 7 પવનચક્કીના ટ્રેઇલરો પણ રોડની સાઈડમાં થોભાવી દેવાયા હતા. આ અકસ્માત ગ્રસ્ત
વાહનોને ત્વરિત ખસેડવા માંગ કરાઈ હતી. અન્યથા આ વાહનોના કારણે અન્ય અકસ્માત થવાની ભીતિ
વ્યક્ત કરાઈ હતી.