• રવિવાર, 22 ડિસેમ્બર, 2024

કચ્છના કુખ્યાત બુટલેગરને રાજ્ય પોલીસે દબોચ્યો

ભુજ, તા. 21 : પૂર્વ-પશ્ચિમ કચ્છમાં શરાબની રેલમછેલ કરાવનારા વાગડના કુખ્યાત બુટલેગર પુનાભાઇ ભાણાભાઇ ભરવાડ ઉર્ફે પુના ભરવાડ ઉર્ફે પુના ઝાંપડાને ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)એ ભુજની મેડીસ્ટાર હોસ્પિટલ પાસેથી દબોચી લેતાં શરાબના ધંધાર્થીઓ અને સાંઠગાંઠ ધરાવતા પલળેલા પોલીસ કર્મચારીઓમાં રીતસરની `હલચલ' મચી છે. આ અંગે ગાંધીનગરથી એસએમસીએ જાહેર કરેલી વિગતો મુજબ મૂળ રાપર હાલે ભુજ એરપોર્ટ રોડ રહેતા પુના ભરવાડ વિરુદ્ધ 56થી વધુ પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે. આવા જ ચાર ગુના અને પાસાની અટકમાં પણ છેલ્લા નવ માસથી તે નાસતો-ફરતો હતો. રાજ્ય પોલીસની ટીમને ખાનગી બાતમી મળી હતી કે, પુના ભરવાડ ભુજ-મુંદરા રોડ પર આવેલી મેડીસ્ટાર હોસ્પિટલ ખાતે આવનાર છે, જે આધારે તેને દબોચી હસ્તગત કરી ગાંધીનગર ખાતે લાવી પૂછપરછ?કરતાં પૂર્વ કચ્છ-ગાંધીધામ, જામનગર તથા પંચમહાલ જિલ્લાના ચાર પ્રોહિબિશનના ગુનાઓમાં તેમજ કચ્છ મેજિસ્ટ્રેટના પાસાના હુકમમાં છેલ્લા નવ માસથી નાસતો ફરે છે. આથી ગઇકાલે તેની જામનગરના પંચકોષી બી-ડિવિઝન પોલીસ મથકના પ્રોહિ.ના ગુનામાં અટક કરી પોલીસને તેનો કબજો સંભાળી લેવા જાણ કરી છે. આરોપી પુના પાસેથી એક મોબાઇલ, ડોંગલ તથા એક ફોર વ્હીલ વાહન એમ કુલ રૂા. 10,52,000નો મુદ્દામાલ તપાસાર્થે કબજે લેવાયાનું સેલે જાહેર કર્યું છે. રાજ્ય પોલીસની ટીમે ભુજમાં આવીને આ કુખ્યાત બુટલેગરને દબોચી ગઇ ને પશ્ચિમ કચ્છની પોલીસ અંધારામાં રહી ગઇ હતી. જાણકાર સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ ગુજરાતના નામીચા બુટલેગરો પાસેથી શરાબની મોટી-મોટી ખેપ પુનો મગાવી રહ્યો છે અને કચ્છમાં વિવિધ ક્ષેત્રે કમિશન પર કટિંગ કરાવી પોતાનું નેટવર્ક વધુ ને વધુ ફેલાવી રહ્યો છે. આમાં પલળેલા પોલીસ કર્મચારીઓ પર અંગુલિનિર્દેશ થઇ રહ્યો છે. આમ, એસએમસીએ પુનાને ઊઠાવી લેતાં શરાબના ધંધાર્થીઓ તેમજ તેની સાથે સાંઠગાંઠ ધરાવનારાઓમાં ફફડાટ ફેલાયો હતો. બીજીતરફ કચ્છના પાસાના વોન્ટેડ અને કુખ્યાત બુટલેગર આરોપી પુનાના સગડ કચ્છ પોલીસ ન મેળવી શકી, પરંતુ એસએમસીની ટીમ ગાંધીનગરથી આવી તેને ઉપાડીને લઇ જતાં કચ્છ પોલીસનું નાક કાપી દેતાં હવે પોલીસના કેટલાક કર્મચારીઓનું પૂછાણું તેમજ ખાતાકીય કાર્યવાહી તથા વિકેટ પડવાની પણ શક્યતા હોવાનો પોલીસબેડામાં ગણગણાટ સંભળાય છે. આ ઉપરાંત થર્ટીફર્સ્ટ નજીક આવી રહી છે, ત્યારે જ આ કુખ્યાત બુટલેગરને ઉપાડી લેવા પાછળ `વ્યવહાર'માં વાંકું પડયાની ચર્ચાએ પણ જોર પકડયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang