હાલમાં લોકસભામાં
સરકારે આપેલી માહિતી પ્રમાણે દેશમાં લગભગ 21 બોગસ યુનિવર્સિટી છે, જેમાં સૌથી વધુ આઠ
યુનિવર્સિટી દિલ્હીમાં છે. આ પછી ઉત્તર પ્રદેશમાં ચાર, આંધ્ર પ્રદેશ, કેરળ, પશ્ચિમ
બંગાળ - પ્રત્યેકમાં બે યુનિવર્સિટી, તો કર્ણાટક, મહારાષ્ટ્ર અને પુડ્ડુચેરી દરેક રાજ્યમાં
એક બોગસ યુનિવર્સિટી હોવાનું બહાર આવ્યું છે. આ યુનિવર્સિટીઓ બંધ કરવામાં આવી છે, જ્યારે
2014થી 2024ના સમયગાળામાં બાર યુનિવર્સિટીને તાળાં મારવામાં આવ્યાં છે. આ બોગસ યુનિવર્સિટીઓ
સંદર્ભમાં સરકારે કરેલી કાર્યવાહીનો ઉલ્લેખ થતો હોવા છતાં મૂળમાં આવી યુનિવર્સિટીઓ
અસ્તિત્વમાં જ કેવી રીતે આવે છે અને અનેક વર્ષો કેવી રીતે ચાલુ રહે છે તે સંદર્ભમાં
તે વિસ્તારોના લોકપ્રતિનિધિઓ અને શિક્ષણ અધિકારીઓ તેમજ તે રાજ્યના પ્રધાનોને કોઈપણ
માહિતી ન હોય તે વધુ આશ્ચર્યકારક છે. આનો સરળ અર્થ એવો થાય છે કે, સરકારી પ્રક્રિયાને
અભેરાઈએ ચઢાવી દઈ સરકારની કોઈપણ આર્થિક મદદ નહીં લેતાં ખાનગી સ્તર પર આવી શિક્ષણ સંસ્થા
અને યુનિવર્સિટીઓ શરૂ થાય છે, પણ તે પ્રતિ કોઈનું પણ ધ્યાન નથી જતું. દેશભરમાં લગભગ 21 બોગસ યુનિવર્સિટી ચાલતી હોય તે
ભારે આંચકાજનક છે. સરકારના જ આંકડા પ્રમાણે 2014થી 2024ના સમયગાળામાં બાર યુનિવર્સિટી
બંધ કરવામાં આવી, પણ આ જ કાળમાં ફરી નવ બોગસ યુનિવર્સિટી નવેસરથી અસ્તિત્વમાં આવી એ
વધુ આશ્ચર્યકારક છે. એટલે કે, સરકારી કાયદાનો, નિયમોનો કે શિક્ષણ વિભાગોની કોઈપણ ધાક
આ બોગસ યુનિવર્સિટીઓના સંસ્થાપકો પર નથી એ સિદ્ધ થાય છે. આ કેસમાં આંખે ઊડીને વળગે
એવી વાત એ છે કે, કોઈપણ યુનિવર્સિટી અસ્તિત્વમાં આવે તે વેળા તેના માટે કેટલા એકર જમીન
કે બિલ્ડિંગ માટે કરોડોનો ખર્ચ થાય છે અને વિદ્યાર્થીઓને એડમિશન આપતાં તેઓ પાસેથી બમણી
કે ચારગણી ફી વસૂલ કરવામાં આવતી હોય છે. એટલે કે, કાયદાની તમા નહીં રાખતાં ઓછા સમયમાં
પૈસા કમાવાની આ બોગસ યુનિવર્સિટીની `દુકાનદારી' બિનધાસ્ત ચાલુ રહે છે. તે વેળા
તેને નિશ્ચિત જ કોઈનાને કોઈના આશીર્વાદ ન હોય, તો આવી `દુકાનદારી' ચાલુ ન
રહી શકે. ખાસ કરીને પીઠબળ કે અભય સિવાય આ યુનિવર્સિટીઓનો બોગસ કારભાર ચાલુ જ રહી શકે
નહીં. હવે આવી યુનિવર્સિટીઓ કેવી રીતે અસ્તિત્વમાં આવે છે, તેની કાર્યપદ્ધતિ એટલે `મોડસ ઓપરેન્ડી' શું
હોય છે? સરકારી તંત્રને થાપ આપીને તેનો કારભાર કેવી રીતે ચાલતો હોય છે? આ એક સંશોધનનો
વિષય છે. આ ઉપરાંત બોગસ યુનિવર્સિટીઓ માટે કોને જવાબદાર ઠેરવવામાં આવે છે તે પણ બહાર
આવવું જોઈએ. આ બોગસ યુનિવર્સિટીઓના કોણ કોણ આશ્રયદાતાઓ છે, તેની પણ તપાસ કરી તેઓ પર
કાર્યવાહી કરવી પણ એટલી જ આવશ્યક છે. જ્યાં સુધી આકરી કાર્યવાહીઓ થશે નહીં ત્યાં સુધી
`દુકાનદારી'
ચાલુ જ રહેવાની છે.