મોસ્કો, તા.
21 : રશિયાનાં કજાન શહેરમાં શનિવારની સવારે અમેરિકાના 9/11 જેવો હુમલો કરતાં યુક્રેને
આઠ ડ્રોનથી નિશાન સાધ્યું હતું, જેમાંથી છ રહેણાંક ઇમારત પર ડ્રોન છોડાયાં હતાં. આ
ખતરનાક હુમલાનાં પગલે કજાન એરપોર્ટ પર તમામ ઉડાનો રોકી દેવાની ફરજ પડી હતી. સોશિયલ
મીડિયા પર હુમલાના અનેક વીડિયો વાયરલ થયા હતા. વીડિયોમાં યુક્રેને છોડેલાં ડ્રોન ઇમારતો
સાથે ટકરાતાં જોવા મળ્યાં હતાં. હુમલા બાદ કજાન સહિત રૂસનાં બે એરપોર્ટ બંધ કરી દેવાયાં
હતાં. યુદ્ધગ્રસ્ત યુક્રેને રૂસના સૈન્ય વડાને માર્યા બાદ આજે વધુ એક શક્તિશાળી હુમલો કરીને રૂસને આંચકો આપ્યો છે. અમેરિકામાં આતંકવાદીઓએ
2001માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આવી જ રીતે ચાર વિમાનનું અપહરણ કરીને હુમલો કર્યો હતો.
રશિયાની હવાઇ સંરક્ષણ પ્રણાલીએ એક ડ્રોનને કજાનની ઉપર જ નષ્ટ કરી નાખ્યું હતું. જો
કે, બાકીનાં ડ્રોન ઇમારતો સુધી પહોંચી ગયાં હતાં. આ ખતરનાક હુમલા બાદ ઇમારતોમાં ધડાકાથી
અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળોએ લઇ જઇ, છાવણીમાં આશ્રય સાથે ખાવા-પીવાની વસ્તુઓ પૂરી
પડાઇ હતી. રશિયા અને યુક્રેન યુદ્ધને 3 વર્ષ પૂરા થવામાં છે. વ્લોદિમીર જેલેન્સ્કીનાં
નેતૃત્વમાં યુક્રેની સૈન્ય રશિયાને એક પછી એક ઘા આપી રહ્યું છે. યુક્રેનના સફળ ડ્રોન
હુમલાએ રશિયાની એર ડિફેન્સ સિસ્ટમની અસરકારકતાની પોલ ખોલી નાખી છે. મીડિયા અહેવાલો
અનુસાર હુમલા માટે યુક્રેને કામિકેઝ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. હુમલાના કેટલાક વીડિયો
સામે આવ્યા છે જેણે અમેરિકા ઉપર થયેલા 9/11 આતંકી હુમલાની યાદ અપાવી હતી. એક પછી એક
ડ્રોન ઊંચી ઈમારત સાથે અથડાય છે અને જોરદાર વિસ્ફોટ થાય છે. આગની જવાળાઓ ઉઠતી દેખાય
છે. ભીષણ ડ્રોન હુમલાને પગલે કઝાનના બે એરપોર્ટને તાકીદે બંધ કરી તમામ ઉડાનો રોકી દેવામાં
આવી હતી. રશિયાએ શુક્રવારે રાત્રે કીવ સહિત યુક્રેનનાં અનેક શહેરોને નિશાન બનાવી
60 જેટલા ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યાની આ જવાબી કાર્યવાહી માનવામાં આવે છે. રશિયાએ
કીવને તો યુક્રેને કુર્સ્કને નિશાન બનાવ્યું છે. રશિયાના હુમલામાં 6 યુક્રેની નાગરિકનાં
મૃત્યુ થયાં હતાં. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તારુઢ થયા બાદ યુદ્ધનો
અંત આવે તેવી સંભાવના વચ્ચે રશિયા અને યુક્રેને અચાનક એકબીજા ઉપર હુમલા વધારી નાખ્યા
છે. યુક્રેને રશિયાને કારમો ઘા આપતાં તાજેતરમાં વિસ્ફોટકથી તેના ન્યુક્લિયર ચીફની હત્યા
કરી નાંખી હતી. આ હુમલાના આઘાતથી રશિયા હજુ ઉભર્યું ન હતું ત્યાં શનિવારે એક પછી એક
8 યુક્રેની સ્યૂસાઇડ ડ્રોન કઝાન શહેરમાં ત્રાટક્યા હતા.