• રવિવાર, 22 ડિસેમ્બર, 2024

ગાંધીધામ : અપનાનગર પાસે આધેડ ગટરની ખુલ્લી ચેમ્બરમાં ખાબક્યા

ગાંધીધામ, તા. 21 : અહીંના અપનાનગર ચાર રસ્તા પાસે રોડની લગોલગ આવેલી ગટરની ખુલ્લી ચેમ્બરમાં આધેડ પડી ગયા હતા. બનાવને પગલે આસપાસમાંથી લોકો એકત્ર થઇ ગયા હતા અને પ્રૌઢને બહાર કાઢવામાં આવ્યા હતા. ગાંધીધામ, આદિપુરમાં પાછલા લાંબા સમયથી ગટરની ચેમ્બરો તથા પાણીના વાલ્વ ખુલ્લી હાલત ભોગવી રહ્યા છે, જેમાં અનેક વખત અબોલ જીવો પડી જવાના બનાવો પ્રકાશમાં આવતા રહે છે. તેમ છતાં આ મુદ્દે કોઈ દરકાર લેવાતી નથી. દરમ્યાન અહીંના અપનાનગર ચાર રસ્તા પાસે માર્ગની બાજુમાં આવેલી ગટરની ખુલ્લી ચેમ્બરમાં આધેડ પડી ગયા હતા. આ બનાવની જાણ થતાં આસપાસમાંથી લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું. ત્યારબાદ મહામુસીબતે પ્રૌઢને બહાર કાઢવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જોડિયા શહેરમાં ખુલ્લી ગટરો માટે ઢાંકણા મગાવવામાં આવે છે, પરંતુ વગદાર નગરસેવકો દ્વારા આ ઢાંકણા પોતાના વિસ્તારોમાં ફાળવી દેવાય છે, જ્યારે બાકીનાં સ્થળોએ ચેમ્બરો ખુલ્લી હાલતમાં રહે છે, જેથી આ અંગે સુધરાઇના શાસકો દ્વારા ત્વરિત પગલાં લેવાય તેવી માંગ પ્રબળ બની છે. બીજી બાજુ લાખોના ખર્ચે આવતા આવા ગટરના ઢાંકણા આદિપુર નજીક અંતરજાળની આસપાસમાં આવેલી ખાનગી સોસાયટીઓમાં પહોંચી ગયા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. બારોબાર ઢાંકણા વેચીને મધપૂડામાંથી મધ મેળવી લેવાતું હોવાના આક્ષેપ પણ સાંભળવા મળ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang