અમદાવાદ, તા.
21 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે
આવી છે. સાબરમતી એરિયામાં આવેલા શિવમ રો હાઉસ ખાતે એક પાર્સલમાં બેટરી ધડાકાની ઘટના
બનતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાર્સલમાં રહેલી બેટરીમાં વિસ્ફોટ થતાં પાર્સલ લેનાર
બળદેવ સુખડીયાના કાકાનો દિકરો અને પાર્સલ લઈને આવનાર ઘાયલ થતા લોહી લુહાણ થયા હતા.
પાર્સલ લાવનારનો હાથ ફાટી ગયો છે. જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ
ઘટનામાં પોલીસે ગૌરવ ગઢવી નામના યુવકની ધરપકડ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે બ્લાસ્ટમાં
આઈઈડીનો ઉપયોગ કરાયાની પોલીસને આશંકા છે. પાર્સલ લેતી વખતે અચાનક ધડાકાભેર બેટરી ફાટી
હતી. જેના લીધે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે
પહોંચી ગયો અને બ્લાસ્ટ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ડૉગ સ્ક્વોડ અને ઉચ્ચ અધિકારીઓનો
કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મળતી માહિતી અનુસાર રૂપેન બારોટે આ પાર્સલ ગૌરવ ગઢવી
થકી બળદેવભાઇ સુખડીયાને મોકલ્યું હતું. પાર્સલ રિસિવ કરનાર બળદેવ સુખડીયા હાઈકોર્ટમાં
કારકૂન તરીકે નોકરી કરે છે. આ ઘટના પાછળ જવાબદાર લોકોમાં જેનું નામ ખુલ્યું છે અને
જેણે પાર્સલ મોકલ્યું હતું તે રૂપેન બારોટના છૂટાછેડા થયા હતા, તેની પત્ની બળદેવભાઈને
ભાઈ માને છે. બળદેવ હાઈકોર્ટમાં નોકરી કરે છે તેથી રૂપેનને શંકા હતી કે બળદેવભાઈના
કારણે તેમના છૂટાછેડા થયા છે, જેની અદાવત રાખીને બદલો લેવા રૂપેને આ કૃત્ય કર્યું હોવાની
પ્રાથમિક માહિતી મળી છે. સુખડીયાએ કહ્યું હતું કે હું 12 વર્ષથી રૂપેનને ઓળખું છું.
એ પાસામાં જાય એટલે હું એને છોડાવતો હતો, અનેકવાર તેને છોડાવ્યો છે, પણ પછી છેલ્લે
કામ ન થયું એટલે આવું કર્યું હશે. પોલીસે તેના ઘરેથી હથિયારો પણ જપ્ત કર્યા છે. પોલીસને
આશંકા છે કે બ્લાસ્ટ માટે આઈઈડીનો ઉપયોગ કરાયો હતો. જેમાં કથિત રીતે જ્વલનશીલ પદાર્થો
જેવા કે સ્પિરિટ, બેટરી અને ગન પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફોરેન્સિક સાયન્સ
લેબોરેટરી (એફએસએલ)ની ટીમે બ્લાસ્ટમાં કયા મટિરિયલનો ઉપયોગ કરાયો છે તે જાણવા માટે
ઘટના સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આંતરીક મતભેદને કારણે
પાર્સલ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. અને ધડાકો કરવા માટે રિમોટનો ઉપયોગ કરાયાની પણ પોલીસને
આશંકા છે. અગાઉ ભોગ બનનનાર બળદેવભાઈને ધમકી મળી હતી. આરોપીઓ ડી કેબિન - ગોદાવરી વિસ્તારના
હોવાની બાતમી મળી છે. અન્ય આરોપીના નામ પોલીસને મળી ગયા છે જેમની ટૂંક સમયમાં ધરપકડ
કરવામાં આવશે. રૂપેણ બારોટ બુટલેગર હોવાનું જાણવા મળ્યું છે. રૂપેણ બારોટે પોતાના ઘરમાં
જ બોમ્બ બનાવ્યો હોવાની શક્યતા છે.