• રવિવાર, 22 ડિસેમ્બર, 2024

ડીપીએસ-ગાંધીધામની 172 રને બળૂકી જીત

ભુજ, તા. 21 : સેમિફાઈનલના તબક્કા તરફ આગળ ધપતા કચ્છમિત્ર-એન્કરવાલા કપની અહીંના લાલજી રૂડા પિંડોળિયા રમત સંકુલ ખાતે રમાયેલી લીગ મેચમાં દિલ્હી પબ્લિક સ્કૂલ-ગાંધીધામની ટીમે બે બેટધરની સદીના સથવારે ભુજની મોમ્સ સ્કૂલ સામે 172 રને બળૂકી જીત મેળવી હતી. આ મેચમાં હરમન ધનોતાએ વિક્રમી 17 છગ્ગા સાથે સતત બીજી, તો મંત્ર ગુરનાનીએ પણ સદી ફટકારી 20 ઓવરમાં 294 રનનો વિશાળ સ્કરો ખડક્યો હતો. બીજી મેચમાં જૈનાચાર્ય અજરામરજી સ્કૂલ ભુજની ટીમે દુન પબ્લિક સ્કૂલને 10 વિકેટે પછડાટ આપી હતી. દિલ્હી પબ્લિક સ્કૂલ-ગાંધીધામની ટીમે ટોસ જીતી પહેલે બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હરમન ધનોતાના 56 બોલમાં 145 અને  મંત્ર ગુરનાનીના 53 બોલમાં 118 રનની ઝમકદાર ઈનિંગ્સથી ત્રણ વિકેટે 294 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. હરમન ધનોતાએ મેદાનની ચોતરફ ફટકાબાજી કરી વિક્રમી 17 છગ્ગા ફટકારી ઉપસ્થિત ક્રિકેટરસિકોને મોજ કરાવી દીધી હતી. યોગાનુયોગ હરમને પોતાના જન્મદિવસની ઉજવણી આ સદી સાથે કરી હતી. મોમ્સ સ્કૂલ-ભુજ તરફથી વેદ ભાનુશાલીએ બે અને જય શુક્લાએ એક વિકેટ ઝડપી હતી. 295 રનના પહાડ સમા લક્ષ્યને પાર કરવા ઊતરેલી મોમ્સ સ્કૂલ ભુજની ટીમ 20 ઓવરમાં 7 વિકેટના ભોગે 122 રન બનાવી શકતાં ડીપીએસનો 172 રને મહાવિજય થયો હતો. મોમ્સ સ્કૂલ તરફથી હિમાન્સુ સિંઘે 32 અને જય શુક્લાએ 21 રન બનાવ્યા હતા. ડીપીએસ તરફથી આર્યન આહીરે બે અને યશવેન્દ્રસિંહે એક વિકેટ ઝડપી હતી. સતત બીજી મેચના સદીવીર હરમન ધનોતાને મેન ઓફ ધી મેચ, તો હિમાન્સુ સિંઘને સેકન્ડ મેન ઓફ ધી મેચ જાહેર કરાયા હતા. બીજી મેચમાં પહેલે બેટિંગ કરવા?ઊતરેલી દુન પબ્લિક સ્કૂલ ભુજની ટીમે કીર્તન કોટકના 18 રનના યોગદાનથી 13.2 ઓવરમાં 69 રન બનાવ્યા હતા. જૈનાચાર્ય અજરામરજી ભુજ તરફથી ધ્રુવી શાહે 5 રન અપી 4, તો ભાનુશાલી કાવ્યાએ ત્રણ અને હર્ષ આહિરે 1 વિકેટ ઝડપી હતી. જવાબમાં જૈનાચાર્ય?અજરામરજી ભુજની ટીમે 7.5 ઓવરમાં વિના વિકેટે 71 રન બનાવી લીધા હતા. ટીમ તરફથી સુમિત રબારીએ 24 અને પ્રકાશ જોશીએ 26 રન બનાવ્યા હતા. બોલિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ધ્રુવિ શાહને મેન ઓફ ધી મેચ, તો કીર્તન કોટકને સેકન્ડ મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. અમ્પાયર તરીકે નિખિલ રાઠોડ, અવનીશ કેરાઈ, સ્કોરર તરીકે અશ્વિન હાલાઈ અને હર્ષ બારડોલિયા, તો કોમેન્ટેટર તરીકે નિતેશ ગુંસાઈએ સેવા આપી હતી. સંચાલન મહેશ સોનીએ સંભાળ્યું હતું. કેસીએના સહમંત્રી પ્રવીણ હીરાણીના હસ્તે ઈનામ અપાયા હતા. ડીપીએસ ટીમના કોચ હરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang