• રવિવાર, 22 ડિસેમ્બર, 2024

હરહંમેશ ખુશ રહેવાથી સફળતાના તમામ દરવાજા ખૂલશે

ગાંધીધામ, તા. 21 : હરહંમેશ ખુશ રહેવાથી સફળતાના તમામ દરવાજા તમારા માટે ખૂલે છે, તેવું ગુજરાતના જાણીતા હીરા ઉદ્યોગકાર સવજીભાઈ ધોળકિયાએ બી.એન.આઈ. વેપાર માધ્યમ સંગઠનના રણનીતિ-3.0 કાર્યક્રમમાં જણવ્યું હતું. પર્યાવરણ ક્ષેત્રે અને દેશપ્રેમ વ્યક્ત કરતા અનેક પ્રકલ્પમાં નોંધપાત્ર યોગદાન આપનારા અને સામાજિક કાર્યકર પદ્મશ્રી સવજીભાઈએ નવી ઊર્જાનો સંચાર કરતાં કહ્યંy હતું કે, વેપારમાં સફળતા, સારા સ્વાસ્થ્ય સહિતના મુદ્દા માટે ખુશ રહેવું ખૂબ આવશ્યક છે. નિરાશા સાથે ક્યારેય જીત મેળવી શકાતી નથી. આનંદમય રહેવાથી સારા અને હકારાત્મક વિચાર આવે છે. પોતાની હીરા ઉદ્યોગકાર તરીકે સફળ વિકાસગાથા વર્ણવતાં શ્રી ધોળકિયાએ જણાવ્યું હતું કે, ગુણવત્તા અને જથ્થા માટે કર્મચારીઓની કાર્યક્ષમતા અને કૌશલ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. પોતાનાં કામને કોષવાની જગ્યાએ પોતાના વેપાર, કામ અને પોતાના કર્મચારીઓને પ્રેમ કરવો જોઈએ. બાકી વિચાર તો  ઊંચા જ કરવા જોઈએ. વિચાર વિના કોઈ પણ બાબત સાકાર થતી નથી. પોતાની કંપનીના કર્મચારીઓને ગાડી અને ઘર આપવાની વાત ટાંકીને તેમણે કહ્યંy હતું કે, હંમેશાં આપવાની વૃત્તિ રાખવી જોઈએ. આપવાનું શરૂ કરવા સાથે આવવાનું પણ શરૂ થશે. માત્ર સારી નોકરી મેળવવાની ખેવના કરતાં નોકરી આપવાના વિચાર ઉપર તેમણે ભાર મુક્યો હતો. વિવિધ વિસ્તારમાંથી આવતા યુવા ઉદ્યોગ સાહસિકોને એકદમ હળવા અને સરળ ભાષામાં તેમણે સફળતાના ખૂબ મહત્ત્વનાં પાંચ સૂત્ર આપ્યાં હતાં. હું સર્વશ્રેષ્ઠ છું, હું કરી શકું છું, ભગવાન હંમેશાં મારી સાથે છે, હું વિજેતા છું અને આજે મારો નવો દિવસ છે, આ સૂત્રને જીવનમાં વણી લેવાથી સફળતા અચૂકપણે પ્રાપ્ત થશે જ. અન્ય જગ્યાએ ધરમ કરવા કરતાં ધંધામાં ધરમ કરવાની હિમાયત કરતાં વકતાએ પાંચ સૂત્રની છણાવટ કરતાં જણાવ્યું હતું કે, પોતાને શ્રેષ્ઠ માનવું જોઈએ. સફળતા માટે મહેનત અને સંઘર્ષ તો કરવા જ પડશે. લોકો પરીક્ષા લેવાની શરૂ કરે ત્યારે પ્રગતિ શરૂ થઈ છે તેમ સમજવું. તમારા પાસે સારા અને અસરકારક વિચારો હશે તો તેને સફળ બનાવવા માટે અનેક રોકાણકારો તેમાં રસ દાખવશે. વિચાર સારા હોવા જોઈએ અથવા માણસ સાચો અને વિશ્વાસપાત્ર હોવો જોઈએ. આ વાત મોટા ભાગના લોકો ધ્યાનમાં રાખે છે, જ્યાં સુધી હાર સ્વીકારી લેતા નથી ત્યાં સુધી આપણને કોઈ હરાવી શકતું નથી. કોઈ નિર્ણય લીધા બાદ તેની ઉપર શંકા સેવ્યા કરતાં તે સફળ થશે તેવો વિશ્વાસ કેળવવો જોઈએ. જળસંગ્રહ માટે 155 સરોવર બનાવવા સહિતનાં કાર્યોની વાત કરી તેમણે પર્યાવરણ અને દેશ માટે કામ કરવાની તૈયારી દર્શાવી હતી. વધુ તેમણે 125 વર્ષ સુધી જીવવું છે અને 100 વર્ષ સુધી કામ કરવું  તેવી વાત કરતાં યુવા ઉદ્યોગ સાહસિકોમાં નવી હકારાત્મક ઊર્જાનો સંચાર થયો હતો. પ્રેરણાત્મક ઉદ્બોધન આપનારા હીરા ઉદ્યોગકાર સવજીભાઈ ધોળકિયાનું બી.એન.આઈ. રણનીતિ-3.0ની આયોજક સમિતિના સભ્યો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang