• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

એક દેશ, એક ચૂંટણીનો વિચાર ઉમદા, અમલ મુશ્કેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં ત્રીજીવાર સત્તા મેળવ્યા પછીના સંકલ્પોમાં અગ્રક્રમે આખા દેશમાં વિધાનસભા-લોકસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવાનું કામ સામેલ હતું. હવે એ દિશામાં પહેલની શરૂઆત થઇ ચૂકી છે. ગયા મંગળવારે  લોકસભામાં એક દેશ, એક ચૂંટણી વિધેયક રજૂ થયું. તેની તરફેણમાં 269 અને વિરોધમાં 198 મત પડયા, એ વિધેયક વિચારણા માટે સંયુકત સંસદીય સમિતિને સોંપી દેવામાં આવ્યું છે. સમિતિના કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યનો સમાવેશ છે. એકસાથે સામાન્ય ચૂંટણીનો મુદ્દો શાસક-વિરોધ પક્ષ વચ્ચે તકરારનું કારણ બની ગયો છે. નીતિ ઘડવૈયાઓ, રાજકીય પક્ષો અને નાગરિકોમાં ચર્ચાનો મુદ્દો છે. આ વિધેયક પસાર કરવા માટે બે તૃતિયાંશ સમર્થન જરૂરી છે અને લાગુ થાય તો પણ આ 2034ની ચૂંટણી પહેલાં તેનો અમલ સંભવ નથી જણાતો. વિપક્ષના એક નેતાએ વાત મૂકી એ પણ વિચાર માગી લે તેવી છે કે, ધારો કે, લોકસભાની ચૂંટણીનું પરિણામ ત્રિશંકુ આવે અને નવેસરથી ચૂંટણીના સંજોગો ઊભા?થાય તો તેની સાથે આખા દેશમાં વિધાનસભાઓ ચૂંટાઇ હશે એ શું વિખેરી નાખવી ? એક દેશ, એક ચૂંટણીનો ઉદ્દેશ ચૂંટણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો, ખર્ચ ઘટાડવાનો, વહીવટી કામગીરીનું ભારણ ઓછું કરવાનો છે. દેશમાં દર એક-બે વર્ષે કોઇ ને કોઇ રાજ્યમાં ચૂંટણી આવે અને તંત્ર તેમાં પરોવાઇ જાય. તરફેણમાં એક મત એવો છે કે, એકસાથે ચૂંટણી રાજકીય સ્થિરતા લાવશે. ભાજપનું કહેવું છે કે, ભારત જેવા વિશાળ અને વૈવિધ્યશાળી દેશમાં એકસાથે ચૂંટણી યોજવાથી ન માત્ર નાણાંની બચત થશે બલ્કે શાસનમાં નિરંતરતા જળવાશે. સરકારો કામકાજ પર ધ્યાન આપી શકશે. આવા સંભવિત લાભો છતાં એક દેશ, એક ચૂંટણી લાગુ કરવામાં હજુ ઘણા વિઘ્નો છે.  જુદાં જુદાં રાજ્યમાં ચૂંટણીચક્ર અલગ-અલગ છે અને એક સમાન પ્રણાલીના અમલથી આ રાજ્યોની સ્વાયત્તતાને અસર પડી શકે છે, જ્યારે અમલ નક્કી થશે ત્યારે અનેક વિધાનસભા મધ્યાવધિ કે ઘણી વહેલી ભંગ કરવી પડશે. આ પ્રણાલીનો વિરોધ કરવા પાછળની રાજકીય પક્ષોની ગણતરી સાથે વિશ્લેષકો સંમત છે. સામાન્ય રીતે એવું હોય છે કે, વિધાનસભા ચૂંટણી સ્થાનિક મુદ્દાઓ પર લડાતી હોય છે, જ્યારે લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય મુદ્દા પ્રભાવક હોય છે, જો એકસાથે ચૂંટણીઓ થાય તો કેન્દ્રના પ્રભાવ કે લહેર રાજ્યોમાંય ફરી વળે એવી સંભાવના નકારી શકાય નહીં. રાજ્ય આધારિત સ્થાનિક પક્ષો, પ્રાદેશિક પક્ષો હાંસિયામાં ધકેલાઇ જશે. અલબત્ત વિચાર ઉમદા છે, પરંતુ અમલમાં લાંબે લેખાં છે. એક રાષ્ટ્ર, એક ચૂંટણી લાગુ કરવા માટે બંધારણમાં સંશોધન કરવું પડે. બંધારણની કલમ 83 મુજબ લોકસભાનો કાર્યકાળ  પાંચ વર્ષનો હોય છે અને જુદી-જુદી વિધાનસભાઓ પાસે પોતપોતાના કાર્યકાળ અને તે ભંગ કરવા માટેની જોગવાઇઓ છે. એક સમાન ચૂંટણી વ્યવસ્થા અપનાવાશે તો આ બધી જોગવાઇઓમાં ફેરફાર જરૂરી બનશે, જે એક જટિલ પ્રક્રિયા પૂરવાર થઇ શકે. રાજકીય સંમતિ જરૂરી બને, જે અત્યારના માહોલમાં શક્ય નથી. એક દેશ, એક ચૂંટણી વિધેયક સંસદમાં પેશ થયું ત્યારે જે તીવ્ર મતભેદ જોવા મળ્યા, વિપક્ષી નેતાઓના ભાષણમાં આક્રોશ છલકાતો જોવા મળ્યો એ દર્શાવે છે કે, આ મુદ્દા પર રાજકીય સંમતિ અસંભવ છે. સંસદીય સમિતિ કેવું વલણ લેશે એ જોવું રહ્યું. સંસદમાં વિધેયક પેશ કરતાં કાયદામંત્રી અર્જુનરામ મેઘવાલે કહ્યું કે, આ નિર્ણયથી લોકતંત્ર વધુ મજબૂત બનશે. સરકારની યોજનાઓ અને નીતિમાં સાતત્ય જળવાશે. અહીં એ નોંધનીય છે કે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતા હેઠળની ઉચ્ચસ્તરીય સમિતિને જે પ્રતિભાવ મળ્યા હતા તેમાંના 80 ટકા એકસાથે ચૂંટણી કરાવવાની તરફેણમાં હતા. સમિતિ સમક્ષ 47 રાજકીય પક્ષોએ પોતાના વિચાર મૂક્યા હતા, જેમાંથી 32 પક્ષે સંસાધનોના સર્વોત્તમ ઉપયોગ અને સામાજિક સદ્ભાવ જેવા લાભોનો હવાલો આપીને એકસાથે ચૂંટણી યોજવાને સમર્થન આપ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang