• રવિવાર, 22 ડિસેમ્બર, 2024

ગાંધીધામમાં ઢોરવાડાનો મુદ્દો વહીવટી આંટીઘૂંટીમાં

ગાંધીધામ, તા. 21 : જોડિયાનગરમાં નગરપાલિકા દ્વારા રસ્તે રઝળતા ગૌવંશને પકડવાની કામગીરી શરૂ કરાઇ હતી, પરંતુ એકાએક આ પ્રક્રિયામાં અજાણ્યા ઇસમોએ બોલાચાલી કરતાં કામ બંધ કરી દેવાયું હતું, જે હજુ સુધી ચાલુ થઈ શક્યું નથી. પોલીસે પણ રક્ષણ આપવાની તૈયારી દર્શાવી હોવા છતાં કાર્યવાહી આગળ વધી શકી નથી. તેવામાં સ્થાનિકે ઢોરવાડો બનાવવા માટે સુધરાઇ દ્વારા ગાંધીનગર દરખાસ્ત કરાઈ હતી, પરંતુ હજુ સુધી કોઈ પરિણામ સાંપડયું નથી. ગાંધીધામ-આદિપુરમાં રખડતા ગૌવંશનાં કારણે વારંવાર અકસ્માતના બનાવો પ્રકાશમાં આવતા રહે છે. ભૂતકાળમાં માનવ જિંદગી મોતનાં મુખમાં ધકેલાઈ ચૂકી છે. વિકટ બનેલી આ સમસ્યાનાં નિરાકરણ માટે સુધરાઇ પ્રમુખ દ્વારા નંદીશાળાની મુલાકાત લઈ કામગીરી શરૂ કરાઇ હતી. બે દિવસ સુધી ગૌવંશ પકડવામાં આવ્યા હતા. ત્યારબાદ ચાવલા ચોક પાસે અજાણ્યા ઇસમોએ બોલાચાલી કરતાં કામ બંધ કરી દેવાયું હતું અને આ મુદ્દે પોલીસ મથકે લેખિત અરજી આપી, પોલીસ રક્ષણ આપવા રજૂઆત કરાઈ હતી. પોલીસે બંદોબસ્ત આપવાની પણ તૈયારી દર્શાવી હતી, તેમ છતાં આ પ્રક્રિયા આગળ વધી શકી ન હતી. અબોલ જીવોને પકડવાની કામગીરી બંધ રહેતાં ગૌવંશ જાહેર માર્ગો પર આવી ગયા છે. ટાગોર રોડ, લીલાશા, ઓસ્લો, મુખ્ય બજાર સહિતના ધમધમતા વિસ્તારોમાં ગૌવંશની સમસ્યા વિકટ બની ગઈ છે. અવારનવાર નાની-મોટી અકસ્માતની ઘટનાઓ સપાટી પર આવતી રહે છે, તેમ છતાં સુધરાઇના સત્તાધીશોએ આંખ આડા કાન કરી લીધાનો વર્તારો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલાં જ આદિપુરના વોર્ડ 4/એમાં આખલાની હડફેટે વૃદ્ધને ગંભીર ઈજાઓ થઈ હતી, તેમ છતાં આ બાબતે કોઈ દરકાર લેવાઈ નથી. ગૌવંશ રાખવા માટે સ્થાનિકે ઢોરવાડો બનાવવા ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી છે. મંજૂરી મળતાં આ કામ શરૂ કરવાની અગાઉ સુધરાઇ પ્રમુખ દ્વારા ધરપત અપાઈ હતી, પરંતુ મહિનાઓ વિતવા છતાં આ સંદર્ભે હજુ કોઈ નક્કર પરિણામ સાંપડયું નથી, જેથી ઢોરવાડા અંગે વહેલીતકે કાર્યવાહી નહીં થાય, તો કોઈ મહામૂલી માનવ જિંદગી ભરખાઇ જવાની ભીતિ લોકો દ્વારા વ્યક્ત કરાઇ રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang