• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

પ્રયોગશીલ ક્રિકેટ ખેલાડી અશ્વિનની અણધારી નિવૃત્તિ

પીચ પર સેટ થઈને રન ઉપર રન ફટકારતો કોઈ બેટર અચાનક આઉટ થાય અને સ્ટેડીયમમાં જે સન્નાટો ફેલાય તેવી સ્થિતિ અશ્વિન રવીચંદ્રને નિવૃત્તિની અચાનક કરેલી જાહેરાતથી થઈ છે. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં જેનું નામ સતત લેવાતું રહેશે, તેવા અશ્વિને ગાબા ટેસ્ટ પછી અચાનક જ કહી દીધું કે, ટેસ્ટમાં `આપણે રમતા નથી'. જે જુસ્સાથી આ ક્રિકેટર રમી રહ્યો હતો તે જોતાં તેના ચાહકો જ નહીં અન્ય દેશના ક્રિકેટપ્રેમીઓ પણ નિરાશ થાય તે સ્વાભાવિક છે. અચાનક આવો નિર્ણય લેવાયો તેનાં કેટલાંક કારણોની ચર્ચા થઈ રહી છે. સાચું કારણ જે હોય તે પરંતુ પરિણામ યોગ્ય નથી. અશ્વિન જેવો નિવડેલો-સફળ ખેલાડી આમ અચાનક `મેદાન છોડે' તે દુ:ખદ છે. ભારતીય ક્રિકેટની તવારીખમાં અશ્વિન જેવું વ્યક્તિત્વ હવે ક્યારે થશે? તે સવાલ ક્રિકેટ વિવેચકોને મૂંઝવી રહ્યો છે. 106 ટેસ્ટમાં 537 વિકેટ, 3503 રન. 116 વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં 156 વિકેટ, 707 રન. 2011થી 2024 દરમ્યાન છ સદી...ભારતનો સૌથી વધારે વિકેટ (537) લેનાર બીજો ખેલાડી. ઈયાન બોથમ અને ઈમરાન ખાન પણ એક પંક્તિ પાછળ રહી જાય. સતત પરફોર્મ કરતો રહ્યો હોવા છતાં અચાનક તેણે નિવૃત્તિ જાહેર કરી. પિતા રવિચંદ્રને તો માધ્યમોને કહ્યું પણ ખરું કે તેને હેરાન કરવામાં આવી રહ્યો હતો. જો કે, અશ્વિને તે વાત નકારી કાઢી છે. આ તેમની શાલીનતા છે. અહેવાલો સ્પષ્ટ છે કે પ્લેઈંગ ટીમમાં સમાવેશ ન થવાથી તેને લાગી આવ્યું. ભારતીય ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીરનું અશ્વિન સાથેનું વલણ સતત ચર્ચામાં છે. પર્થના મેચમાં અશ્વિનને બદલે અચાનક વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કરવામાં આવ્યો, અગાઉ અશ્વિન કહી ચૂક્યા હતા કે, તેમને `પ્લેઈંગ ટીમ'માં લેવામાં આવે. પર્થ ટેસ્ટ વખતે જ તેમણે આ નિર્ણય મનોમન લઈ લીધો હતો, કેપ્ટન રોહિત શર્માએ તેને એક ટેસ્ટ સુધી ખમી જવા કહ્યું, જો કે, તે પછી પણ રવીન્દ્ર જાડેજાનો સમાવેશ ટીમમાં થયો તે બાબત તેને નિર્ણય તરફ વધારે મક્કમ બનાવવામાં નિમિત્ત બની. આમ પણ તે મેચમાં તેને એક જ વિકેટ મળી, આવું થવા પાછળનું કારણ પણ માનસિક તણાવ હોઈ શકે. આખરે એક પ્રતિભાવંત ક્રિકેટરે `પીચ છોડી'. ત્રીસી વટાવ્યા પછી ખેલાડીઓ માટે નિવૃત્તિનો સમય આવતો હોય છે. ભૂતકાળમાં મહમ્મદ અઝરુદ્દીન, કપિલદેવ સહિતના કેટલાક દાખલા છે ,જે કારકિર્દીના અસ્તાચળે હોય, પરફોર્મન્સ ન આવતું હોય ને નિવૃત્તિ લંબાયા કરે... દરેક મહાન ખેલાડીઓના જીવનમાં આવી પરીક્ષા આવતી હોય છે. અત્યારે રોહિત શર્મા રન બનાવવામાં સંઘર્ષ કરી રહ્યો છે. તો શું તેણે ભૂતકાળમાં આપેલું યોગદાન ભૂલી જવાનું ? હરગીઝ નહીં. રવિચંદ્રન અશ્વિન કુશાગ્ર બુદ્ધિમતાનો ખેલાડી. અનિલ કુંબલેનું સ્થાન તેણે ન માત્ર મેદાનમાં બલ્કે ડ્રેસિંગ રૂમમાં પણ લીધું હતું. પ્રસ્થાપિત માન્યતાઓથી વિપરીત વિચાર અને તેનો અમલ અશ્વિન જ કરી શકે. સતત સારો દેખાવ હોવા છતાં 11 ખેલાડીમાં તેનો સમાવેશ ન થતો હોવાથી તેને લાગી આવ્યું હતું. આંતરિક વિખવાદ, અંગત વાંધા તો કયાં ક્ષેત્રમાં હોતા નથી? ગંભીરને અશ્વિન માટે જે કંઈ મુશ્કેલી હોય તે તેના સ્થાને છે, પરંતુ તેને લીધે તેણે જો અન્યાયી વલણ અપનાવ્યું હોય તો તે યોગ્ય નથી, આખરે તો નુકસાન દેશના ક્રિકેટને, ક્રિકેટ ટીમને અને શાખને થયું છે. આઈપીએલ વગેરેમાં અશ્વિનનો કમાલ તો દર્શકોને જોવા મળશે, પરંતુ ટેસ્ટમાં તેનું કૌશલ્ય હવે જૂની મેચોના વીડિયો પૂરતું મર્યાદિત રહેશે. ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ આ મુદ્દે જો કંઈ કરી શકે અને ફરી અશ્વિનને `પીચ પર બોલાવી શકે' તો તે ભારતીય ક્રિકેટ માટે શુકન ગણાશે. ભૂતકાળમાં મહેન્દ્રસિંહ ધોનીને પણ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી દરમ્યાન નિવૃત્તિનું એલાન કર્યું હતું. સુનિલ ગાવસ્કરે અશ્વિનના `સન્યાસ' લેવાના સમય પર સવાલ ઊઠાવ્યો છે, પરંતુ આ નવાં ભારતની બદલાતી યુવા પેઢી છે.. અશ્વિન તેનો સૂત્રધાર છે. રવિચંદ્રને તેની કારકિર્દીની શરૂઆત ઓપનિંગ બેટ્સમેન તરીકે કરી હતી, પરંતુ બહુ જલ્દી ખ્યાલ આવી ગયો કે તામિલનાડુની ટીમમાં મુરલી વિજય, એસ. બદ્રીનાથ, દિનેશ કાર્તિક જેવા બેટધરોની હાજરીમાં તેનો ગજ નહીં વાગે. એણે ચોથાક્રમે આવવાનું શરૂ કર્યું અને સાથે ઓફસ્પિન બોલિંગમાં કુશળતા મેળવી. બાકી જે થયું એ ઇતિહાસ આપણી નજર સમક્ષ છે. અશ્વિન તેના `કેરમ બોલ' માટે પણ યાદ રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang