વકફ બોર્ડ કાયદો
અને સંભલમાં મસ્જિદના સર્વેક્ષણને લઈ થયેલા વિવાદમાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન
ખડગેએ વિવાદસ્પદ પ્રશ્ન કરતાં કહ્યું છે કે ભારતમાં ઐતિહાસિક સમયથી મુસ્લિમ રાજકર્તાઓએ
બાંધેલાં તાજમહાલ, લાલ કિલ્લા સહિત બધી જ ઈમારતોના ઉત્ખનન કરવાનાં છો? ખડગેનો આ પ્રશ્ન
હાસ્યાસ્પદ અને ગેરમાર્ગે દોરનારો છે. હાલ જ્ઞાનવાપી કે સંભલ ખાતે મસ્જિદના થઈ રહેલા
સર્વેક્ષણ હિન્દુઓના અધિકારનો ભાગ છે. મસ્જિદની જગ્યાએ મૂળ હિંદુ મંદિર હતાં કે નહીં
એટલું જ આ સર્વેક્ષણ દ્વારા નિશ્ચિત ઠરે છે. પાકિસ્તાન સહિત વિશ્વના અનેક મુસ્લિમ દેશોમાં
વકફ બોર્ડ અસ્તિત્વમાં જ નથી. ભારતમાં વકફ બોર્ડ જવાહરલાલ નેહરુએ સ્થાપ્યું હતું. પછી
આ કાયદામાં અનેક સુધારા-વધારા કરવામાં આવ્યા અને બોર્ડને અગણિત અને ગેરકાયદે અધિકાર
આપવામાં આવ્યા. આગળ જતાં ઇન્દિરા ગાંધીએ `મુસ્લિમ પર્સનલ કાયદો' બનાવ્યો અને મુસ્લિમ
સમાજમાં ધાર્મિક કટ્ટરતાને પ્રોત્સાહન આપ્યું. નરસિંહ રાવે તો ધર્મ સ્થળોનો કાયદો બનાવીને
હિન્દુના ન્યાય અને મૂળ ધાર્મિક અધિકારો પર જ ઘાત કર્યો. કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા
પછી હિન્દુ પરંપરા અને ધાર્મિક રિવાજોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ધાર્મિક અધિકારો
પર કેવી રીતે તરાપ મારવામાં આવી તે બદલ જાગૃતિ નિર્માણ થતાં હિન્દુ સમાજમાં ધાર્મિક
પુનરોત્થાનનો પવન ફૂંકાવા લાગ્યો છે. હિન્દુઓનાં ધાર્મિક સ્થળો પર કેવાં અતિક્રમણ થયાં
એ સ્પષ્ટ થયા પછી ભૂતકાળની ભૂલો દુરસ્ત કરવાની માગણી કરવામાં આવી અને તેમાંથી આજનું
સંઘર્ષમય વાતાવરણ શરૂ થયું છે. હિન્દુઓ મુસ્લિમનોનાં ધાર્મિક સ્થળો ઉખેડવાની નહીં પણ
મૂળ મંદિરોનું જીર્ણોદ્ધાર કરવાનો આગ્રહ કરી રહ્યા છે. આજના મુસ્લિમ ધાર્મિક વિદ્વાનો
અને નેતાઓ ઐતિહાસિક મૂલ્યોનું સમર્થન કરવાને બદલે તે સુધારવાની નીતિ સ્વીકારે તો આ
સંઘર્ષનો અંત આવશે અને કૉંગ્રેસ જેવા પક્ષે પોતાના તુષ્ટીકરણની મતલબી નીતિ ત્યાગવી
પડશે. અકળાયેલા ખડગેએ જાણીબૂઝીને વિષયને અલગ વળાંક આપવાનો પ્રયાસ કર્યો છે. પોતાનું
`મલ્લિકાર્જુન'
નામ એટલે શિવ-શંકરનું નામ હોવાનો તેમનો દાવો પણ રાજકીય હેતુસર છે.