• રવિવાર, 22 ડિસેમ્બર, 2024

ઠારના માર વચ્ચે માવઠાંની આગાહી

ભુજ, તા. 21 : કચ્છમાં ઠંડીની સાથે ઠારની ધાર દિવસે ને દિવસે મજબૂત બની રહી છે. પવનની પાંખે જિલ્લામાં દિવસ-રાત ઠારનો માર અનુભવાતાં જનજીવન રીતસરનું ઠંડીમાં ઠૂંઠવાયું હતું. કચ્છી કાશ્મીર એવા નલિયામાં પારો ગગડીને પ.8 ડિગ્રીએ પહોંચતાં કાતિલ ઠાર સમગ્ર વિસ્તારમાં અનુભવાયો હતો. ઠંડીની મજબૂત બનેલી પકડ વચ્ચે હવામાન વિભાગે 26થી 28 ડિસેમ્બર દરમિયાન માવઠાંની આગાહી કરતાં રવીપાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોના જીવ તાળવે ચોંટયા છે. નલિયામાં પારો ગગડીને  પ.8 ડિગ્રીના આંકે પહોંચતાં કચ્છ કાશ્મીરે સતત 13મા દિવસે રાજ્યનાં ઠંડાં મથકોમાં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું હતું. નલિયા ઉપરાંત અબડાસા, લખપત સહિત સમગ્ર પશ્ચિમ કચ્છમાં ડંખીલા ઠારનાં મોજાંથી તડકાનું જોર પણ નરમ જોવા મળ્યું હતું. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં લોકો રાતે ઠીક દિવસે પણ તાપણું કરી ઠંડી સામે રક્ષણ મેળવતા નજરે પડયા હતા. માનવીની સાથે પશુધનની હાલત પણ ઠંડીનાં કારણે કફોડી બની છે. દૂધાળા પશુઓની દૂધ આપવાની ક્ષમતા પણ ઠંડીનાં કારણે ઘટી ગઈ છે. જિલ્લા મથક ભુજમાં લઘુતમ પારો આશ્ચર્યજનક રીતે એક ડિગ્રીના વધારા સાથે 11.3 ડિગ્રીએ પહોંચવા છતાં ઠારના પ્રભાવમાં નામમાત્રની રાહત મળી નહોતી. ખાસ કરીને આખો દિવસ જોવા મળેલા ધૂંધળા માહોલ સાથે લોકોને દિવસભર ગરમ કપડાંમાં ધબુરાયેલા રહેવું પડયું હતું. સાંજ ઢળતાં ઠારની ધાર વધુ તીક્ષ્ણ બની હતી. કંડલા એરપોર્ટમાં 11.9 ડિગ્રી તાપમાને અંજાર-ગાંધીધામમાં ઠંડક જળવાયેલી રહી હતી. હવામાન વિભાગે કોલ્ડવેવની કોઈ ચેતવણી જારી કરી નથી, પણ સાયકલોનિક સર્ક્યુલેશનની અસર તળે કચ્છ સહિત રાજ્યનાં વાતાવરણમાં પલટો આવી શકે છે. 26થી 28 ડિસેમ્બર એટલે કે, 2024ના અંતિમ અઠવાડિયાંમાં કમોસમી વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. લોકોને સ્વેટર સાથે રેઈનકોટ પહેરવા પડે તેવી સ્થિતિનું સર્જન થવાની શક્યતા દેખાડાઈ છે. ગઈકાલની તુલનાએ પવનનું જોર થોડું હળવું પડવા છતાં સરેરાશ 8થી 10 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang