• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

બંધારણ મુદ્દે આક્ષેપો કરનાર કોંગ્રેસ સંસદમાં ઘેરાઈ

ભારત આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવીને પરિપક્વ લોકતંત્ર તરીકે દુનિયાના અન્ય દેશોને પ્રેરણા આપી રહ્યું છે. આપણું બંધારણ મજબૂતીનો સ્રોત છે. બંધારણનાં 75મા વર્ષની ઉજવણી નિમિત્તે સંસદનાં બંને ગૃહમાં લાંબી ચર્ચા થઇ.. રાજકીય આક્ષેપોએ થયા. કોંગ્રેસ અને વિરોધપક્ષ લાંબા સમયથી એનડીએ સરકાર પર બંધારણની ભાવનાથી વિપરીત વલણ લેવાનો આક્ષેપ કરતા રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને બીજા શાસકપક્ષના નેતાઓએ દાખલા દલીલ સાથે રજૂઆત કરી કે, આ કેન્દ્ર સરકાર બંધારણની પવિત્રતા જાળવવામાં માને છે. કોઇએ બંધારણથી વિરુદ્ધ વર્તાવ કર્યો હોય, તો એ માત્ર ને માત્ર કોંગ્રેસ છે. ઈન્દિરા ગાંધીના યુગમાં કટોકટી એ બંધારણનું સૌથી મોટું અપમાન હતું અને ભારતની લોકશાહીના ઇતિહાસમાં એ કાળા અધ્યાય તરીકે રેખાંકિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણની 75 વર્ષની ગૌરવમયી યાત્રા પર ચર્ચાનો જવાબ આપતાં નેહરુ-ગાંધી પરિવારને લોકતંત્રનું ગળુ રૂંધવા માટે સવાલોના ઘેરામાં ઊભો કર્યો છે. કોંગ્રેસ પર વારંવાર બંધારણની ભાવનાની હત્યા કરવાનો આક્ષેપ કરતાં મોદીએ કહ્યું કે, કટોકટીનું પાપ દેશના સાથી પક્ષનાં માથેથી ક્યારેય પણ ભૂંસાઈ નહીં શકે. પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુથી લઈ ગાંધી પરિવારની દરેક પેઢીએ સત્તામાં રહેતાં બંધારણ સાથે છેડછાડ કરી છે. એક પરિવારે બંધારણનો દુરુપયોગ મનફાવે એ રીતે કર્યો છે. 75 વર્ષમાં 55 વર્ષ એક પરિવારે રાજ કર્યું. આને લઈ દેશમાં શું શું બન્યું એ જાણવાનો સૌને અધિકાર છે. વડાપ્રધાને કોંગ્રેસ પર ધર્મના આધારે આરક્ષણ આપવાના કોંગ્રેસના નેતાઓના મનસૂબા પર પ્રહાર કર્યો છે. મોદીએ કહ્યું કે, પહેલાં પંડિત નેહરુનું પોતાનું બંધારણ ચાલતું હતું. આ માટે તેમણે વરિષ્ઠ મહાનુભવોની સલાહ નહોતી માની. કોંગ્રેસનાં રાજમાં લગભગ છ દશકામાં 75 વેળા બંધારણ બદલવામાં આવ્યું હતું. ઈન્દિરા ગાંધીએ ખુરશી બચાવવા દેશ પર કટોકટી લાદી હતી. વડાપ્રધાનની વાત સ્પષ્ટ છે કે, 2014થી તેમની સરકારે દેશની અખંડતા અને એકતા માટે કામ કર્યું છે. બંધારણમાં સૌથી મહત્ત્વનાં દેશની એકતા, અખંડતા અને જનહિત છે. તેમની સરકાર આ જ દિશામાં છે. 1951માં નેહરુની વચગાળાની સરકારથી લઈ ડો. મનમોહન સિંહના કાર્યકાળ અને ત્યાર બાદ પણ ગાંધી પરિવારની વ્યક્તિએ બંધારણના લીરેલીરા ઉડાવી દીધા છે. રાહુલનું નામ લીધા વિના તેમણે કહ્યું કે, ડો. મનમોહનની કેબિનેટે જે નિર્ણય લીધા હતા, એ તેમનો બંધારણીય અધિકાર હતો, પરંતુ એક અહંકારીએ એ કેબિનેટના નિર્ણયને જાહેરમાં ફાડીને બતાવ્યું હતું કે, તેમને માટે બંધારણ કંઈ નથી. કોંગ્રેસનાં સંસદસભ્ય પ્રિયંકા ગાંધીએ ચર્ચામાં ભાગ લેતાં અદાણી સામેના આરોપો, મણિપુર હિંસા, જાતિ આધારિત વસ્તી ગણતરી સહિતના મુદ્દા ઉઠાવ્યા હતા. તેમણે 1975ની કટોકટીને `ભૂલ' લેખાવીને સ્વીકાર કર્યો સાથે દેશમાં ચૂંટણીઓ બેલેટ પેપરથી કરાવવાની માંગ કરી, દેશની અર્થવ્યવસ્થા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સવાલ કર્યો છે કે, મોદી સરકારે બંધારણ માટે 11 વર્ષમાં શું કર્યું એનો જવાબ આપે. પ્રિયંકા, ખડગે કે રાહુલ ગાંધીએ તક મળી ત્યારે આર.એસ.એસ.ને વચ્ચે ખેંચવાની તક ઝડપી લીધી. ચર્ચા દરમ્યાન પ્રિયંકાએ વડાપ્રધાન તરફ તીર ફેંક્યું કે, સંવિધાન `સંઘનું વિધાન' નથી એ સ્પષ્ટ સમજી લેજો.. રાહુલ ગાંધીએ સરકાર પર બેરોજગારી નિરંકુશ બનાવવાનો આક્ષેપ મૂકીને કહ્યું કે, દેશમાં યુવાનો અને ખેડૂતોનાં હિતની વિરુદ્ધ માહોલ છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લોકસભામાં ચર્ચાની શરૂઆત કરી અને એ પછી ત્રણ દિવસ દરમ્યાન વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જવાબ આપતાં કોંગ્રેસની ઝાટકણી કાઢીને કહ્યું કે, ભૂતકાળમાં કોંગ્રેસ સરકારોએ કરેલી ગંભીર ભૂલોનો પાઠ જનતાએ હવે ભણાવ્યો છે. બંધારણ દેખાડાનો નહીં, વિશ્વાસનો વિષય છે. સંસદની ચર્ચાએ શાસક-વિપક્ષી સભ્યોને મહત્ત્વના મુદ્દા ઉઠાવવાની તક પૂરી પાડી એમ પણ કહી શકાય.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang