શ્રીનગર, તા.
19 : કાશ્મીરના કુલગામ જિલ્લામાં કદ્દેર ગામમાં પોલીસ અને સેનાના જવાનોએ સંયુક્ત અભિયાન
છેડતાં પાંચ આતંકવાદીને ઠાર મારીને મોટી સફળતા મેળવી હતી. ગઇકાલે બુધવારની રાતથી શરૂ
થયેલું ભીષણ ઘર્ષણ ગુરુવારની બપોર સુધી ચાલ્યું હતું. આજે સવારે સેનાને ગામમાં આતંકવાદી
છુપાયા હોવાની બાતમી મળતાં તલાશી અભિયાન છેડાયું હતું. ઠાર મરાયેલા આતંકીઓમાં હિઝબુલ
મુજાહિદ્દીન કમાંડર ફારુક અહમદ ભટ્ટ પણ સામેલ
છે. ઘર્ષણમાં બે જવાન પણ ઘાયલ થયા હતા. કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થા પર ચર્ચા માટે આજે
નિર્ધારિત ગૃહમંત્રી અમિત શાહની બેઠકના સમયે જ પાંચ આતંકી ઢેર કરાયા છે. છુપાઇ બેઠેલા
આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જાંબાઝ જવાનોએ જડબાંતોડ જવાબ આપ્યો
હતો. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો, વિસ્ફોટકો સહિત મોતનો સામાન કબજે કરાયો
હતો. સેનાએ વીતેલા મહિને અખનૂર ક્ષેત્રમાં ત્રણ આતંકીને ઠાર કર્યા હતા. કુલગામમાં લગાતાર
વધતી આતંકવાદી ગતિવિધિઓથી ભય હેઠળ જીવતા લોકોને આજની સેનાની સફળતાથી રાહત મળી છે.