નવી દિલ્હી, તા. 8 : ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ફરી એક વખત
વૃદ્ધિ થઈ છે. આ સાથે જ સતત આઠ અઠવાડિયાના ઘટાડા ઉપર પણ લગામ લાગી છે. 29 નવેમ્બરના પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા
ભંડાર 1.510 અબજ ડોલર વધીને 658.091 અબજ અમેરિકી ડોલર થયો છે. સપ્ટેમ્બર મહિનામાં 704.89 અબજ અમેરિકી ડોલરના ઉચ્ચ
સ્તરે પહોંચ્યા બાદ વિદેશી મુદ્રા ભંડારમાં સતત ઘટાડો આવી રહ્યો હતો. હકીકતમાં રૂપિયાની
કિંમતમાં સતત થઈ રહેલા ઘટાડાને રોકવાના હેતુથી આરબીઆઇ દ્વારા હસ્તક્ષેપનાં કારણે મુદ્રા
ભંડારમાં ઘટાડો આવી રહ્યો હતો. આરબીઆઇના નવા આંકડા અનુસાર ભારતનો એફસીએ 568.852 અબજ
અમેરિકી ડોલરે છે. વર્તમાન સમયે સ્વર્ણ ભંડાર 66.979 અબજ અમેરિકી ડોલર છે. અનુમાન દર્શાવી રહ્યાં છે કે, ભારતનો વિદેશી મુદ્રા
ભંડાર હવે અનુમાનિત આયાતનાં એક વર્ષને કવર કરી લેવા માટે પર્યાપ્ત છે. 2023માં ભારતે
પોતાના વિદેશી મુદ્રા ભંડારમાં આશરે 58 અબજ અમેરિકન ડોલર જોડયા હતા, જ્યારે 2022માં
તેમાં 71 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો.