ગાંધીધામ, તા. 23 : શહેરના ભારતનગર નજીક એક યુવતીને
લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી પોતાનો ઇરાદો પરિપૂર્ણ કરવાના બનાવમાં બે શખ્સ સામે
ગુનો નોંધાયો હતો. બીજીબાજુ ગળપાદરમાં યુવતીને લગ્નની લાલચ આપી વારંવાર શરીર સંબંધ
બાંધનારા શખ્સ સામે ફરિયાદ થઇ હતી. શહેરના ભારતનગર નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેનાર
યુવતીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આરોપી પ્રવીણ કોરી (રહે. અંજાર) નામના શખ્સે
આપી હતી. બાદમાં યુવતીની જાણ બહાર તેના નગ્ન વીડિયો બનાવી લીધા હતા. દરમ્યાન ભુજના
ગોવિંદ રામુ કુંવરિયા નામના શખ્સે યુવતીને લગ્ન કરવાનું વચન આપી લાલચ આપી પ્રવીણે બનાવેલા
વીડિયો ડિલિટ કરાવી દઇશ તેવું કહી ફરિયાદી યુવતી સાથે અલગ-અલગ દિવસે શરીર સંબંધ બાંધ્યો
હતો. બાદમાં લગ્ન ન કરી પોતાનો ઇરાદો પરિપૂર્ણ કરવા શારીરિક શોષણ કર્યું હતું. પોલીસે
આ બંને શખ્સ સામે ગુનો દર્જ કરી બંનેને પકડી પાડયા હતા. વધુ એક આવો જ બનાવ પ્રકાશમાં
આવ્યો હતો. ગળપાદર આસપાસ રહેનાર એક યુવતીને ગાંધીધામના વિનોદ સામજી મહેશ્વરી નામના
શખ્સે લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને ભારતનગર-જનતા કોલોની ખાતે પોતાના દાદાના ઘરે
ફરિયાદીને લઇ જઇ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. જે સંબંધો થકી ભોગ બનનાર ગર્ભવતી
થયા બાદ તેનો ગર્ભપાત થયો હતો. ભોગ બનનાર સાથે લગ્ન ન કરનારા આ શખ્સ સામે પોલીસે ફરિયાદ
નોંધી આગળની તપાસ હાથ ધરી છે.