ગાંધીધામ, તા. 23 : ભચાઉના સામખિયાળીમાં હોટેલના
પાર્કિંગમાં ટ્રક ઊભી રાખી તેમાંથી રૂા. 9000ની મગફળીની છ બોરી કાઢી બોલેરોમાં નાખી ચોરી કરાતાં ટ્રકચાલક
સામે ગુનો દર્જ થયો હતો. સામખિયાળી આસપાસની હોટેલોમાં બેફામ ચોરી થતી હોવાના આક્ષેપોને
આ બનાવથી સમર્થન મળ્યું હતું. અંજારના રતનાલમાં રહેનારા ફરિયાદી શામજી દેવા છાંગાની
નવ ટ્રક છે, આ ટ્રાન્સપોર્ટરની ટ્રક
નંબર જીજે-18-એઝેડ-5123ના મુસ્તાક કાસમ ખાન તથા ટ્રક
નંબર જીજે-18-એઝેડ-5325માં દિનેશ આદુરામ જાટ ચાલક
તરીકે કામ કરે છે. આ બંને ઉપર ફરિયાદીને શંકા હતી દરમ્યાન ગાંધીધામથી બન્ને વાહનમાં
1100 બોરી મગફળી ભરી કેશોદ નજીક
પ્રમુખ ઈન્ડસ્ટ્રીઝમાં પહોંચાડવાની હતી. બન્ને
વાહનચાલક માલ ભરીને નીકળ્યા હતા, ત્યારે
ફરિયાદીએ તેમનો પીછો કર્યો હતો. દરમ્યાન સામખિયાળી પોલીસ મથકની નજીકમાં આવેલી કે. કે.
ચૌધરી હોટેલનાં પાર્કિંગમાં દિનેશ જાટે ગાડી ઊભી રાખી તેમાંથી મગફળીની છ બોરી કાઢી
ત્યાં ઊભેલી બોલેરો ગાડી નંબર જીજે-12-એવાય-7943માં ભરી નાખી
હતી. રૂા. 9000ની આ ચોરીના બનાવ અંગે પોલીસે
ગુનો નોંધ્યો છે. ખરેખર બોલેરો ચાલક કોણ છે? તેની સાથે અન્ય કોણ-કોણ સંડોવાયેલાં
છે તેની નિતિમતાથી અને તટસ્થ તપાસ થાય, તો અન્ય આરોપીઓ પકડાય
તેમ હોવાનું જાણકારોએ કહ્યું હતું.