ગાંધીધામ, તા. 20 : ખાવડા નજીક ટ્રેઈલર અને બોલેરો
વચ્ચે અકસ્માતમાં સાત શ્રમિકોનાં મોતના બનાવની સાહી હજુ સુકાઈ નથી તેવામાં ભચાઉના કકરવા
- ખારોઈ માર્ગ પર ડમ્પર હડફેટે બોલેરોમાં સવાર બે માસૂમોનાં મોતને પગલે ભારે અરેરાટી
સાથે ચકચાર પ્રસરી હતી અને બેફામ દોડતાં તોતિંગ વાહનો પર ક્યારે લગામ કસાશે તેવા પ્રશ્નો
બહાર આવ્યા હતા. ખાવડા નજીક
થોડા દિવસો અગાઉ જ ટ્રેઈલરની હડફેટે ચડતાં બોલેરોમાં સવાર સાત શ્રમિકાને પોતાના જીવ
ખોવાનો વારો આવ્યો હતો. આ બનાવની સાહી હજુ સુકાઈ નથી તેવામાં વધુ એક વખત કચ્છના માર્ગ
લોહિયાળ બન્યા છે. ભચાઉના કકરવા-ખારોઈ માર્ગ પર ડમ્પર હડફેટે બોલેરો ચડતાં સાંતલપુરના
શ્રમિક પરિવારોએ બે માસૂમ ખોયા છે અને 19 લોકો ઘવાયા છે ત્યારે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં માતેલા સાંઢની
માફક દોડતાં તોતિંગ વાહનો સામે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે તે સહિતના પ્રશ્નો
ઉછળીને બહાર આવ્યા છે. આવા તોતિંગ વાહનોની હડફેટે કોઈ ઉચ્ચ અધિકારી કે ચૂંટાયેલા પ્રતિનિધિ
અથવા તેમના સંબંધીઓ જીવ ખોશે પછી જ તંત્ર જાગશે તેવું લોક પૂછી રહ્યા છે.