• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

પાંકડસર મેળામાં આવતા યુવાનને અકસ્માત નડતાં અકાળે મોત

ગાંધીધામ, તા. 8 : ભચાઉના ખારોઇથી ભચાઉ આવતા માર્ગ પર બાઇકચાલકે પોતાના વાહનનું કાબૂ ગુમાવતાં ચાલક મહેશ વેરા ડોડિયા (ઉ.વ. 21)નું મોત થયું હતું અને તેની પત્ની, બહેનને ઇજાઓ પહોંચી હતી, જ્યારે મુંદરાના કારાઘોઘા પાસે પગે જતા 36 વર્ષીય યુવાન ભીમજી ગાભા કોળીને કારે હડફેટે લેતાં ગંભીર ઇજાના પગલે તેનો જીવનદીપ બુઝાયો હતો. બીજીબાજુ આદિપુરમાં શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ સમશેરસિંઘ શ્યામસિંઘ (ઉ.વ. 22) નામના યુવાનનું મોત થયું હતું. રાપરના મોટા ટીંડલવા ગામમાં રહેનાર મહેશ ડોડિયા તેની પત્ની જયશ્રીબેન તથા બહેન જયાબેન બાઇક નંબર જીજે-39 એલ-0203 લઇને પાંકડસર ગરીબદાસ કબરાઉના મેળામાં જવા નીકળ્યા હતા, જ્યાં રાપર પહોંચતાં બનાવના ફરિયાદી રવજી ભલા ગોહિલ તથા તેની પત્ની અને બહેન મળ્યા હતા. બાદમાં આ છ લોકો બે બાઇક પર સવાર થઇ મેળામાં જઇ રહ્યા હતા. ખારોઇથી ભચાઉ આવતા રોડ પર એસ્સાર પેટ્રોલપંપ પાસે પહોંચ્યા હતા, ત્યારે સામેથી કાર આવતાં મહેશે બાઇક પરથી કાબૂ ગુમાવતાં બાઇક નીચે પટકાયું હતું, જેમાં ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી. 108 મારફતે ત્રણેયને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો, તેની પત્નીને વધુ સારવાર અર્થે ભુજ લઇ જવાયા હતા. આ ઉપરાંત મુંદરા તાલુકાના કારાઘોઘા રહેતા અપરિણીત યુવાન ભીમજી મજૂરી કરી તેનું તથા માતાનું ગુજરાન કરતો હતો. તા. 6/10ના સવારે ભીમજી પદયાત્રી કેમ્પમાં રેતી પાથરી બપોરે માતા માટે ટિફિન લઇ પગે ચાલીને જતો હતો, ત્યારે બોચા તરફથી પૂરઝડપે આવતી કાર નં. જીજે-01-ડબલ્યુઝેડ-4487વાળાએ હડફેટે લેતાં ભીમજીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં તેનું મોત થયું હતું. પ્રાગપર પોલીસ મથકે ભીમજીના ભાઇ અરવિંદે ફરિયાદ નોંધાવતાં પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બીજીબાજુ આદિપુરના રામબાગ રોડ પર અપમૃત્યુનો બનાવ બન્યો હતો. ગત તા. 7/10ના સમશેરસિંઘ નામના યુવાનને રામબાગ રોડ પાસે શ્વાસ લેવામાં તકલીફ થતાં તે બેભાન થયો હતો. તેને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd