ગાંધીધામ, તા. 28 : શહેરના એફ.સી.આઈ. રોડ પાસે આવેલી મોબાઈલની દુકાનનાં પતરાં તોડી અંદર ખાબકેલા નિશાચરો રૂા. પ0,000ની મતાની ચોરી કરી નાસી ગયા હતા. શહેરના સુંદરપુરી વિસ્તારમાં રહેતા ફરિયાદી સુજીતકુમાર સંજય ઠાકુર નામનો યુવાન એફ.સી.આઈ. રોડ ખોડિયાર નગરની સામે વિભા મોબાઈલ નામની દુકાન ચલાવે છે. આ ફરિયાદી પોતાની દુકાનમાં મોબાઈલ રિપેરિંગ કરે છે તથા નવા મોબાઈલનું વેચાણ કરતા હોવાનું પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું હતું. આ ફરિયાદી અને તેમનો કારીગર નિત્યક્રમ મુજબ ગઈકાલે રાત્રે દુકાન બંધ કરીને પોતાના ઘરે ગયા હતા અને આજે સવારે આવી દુકાન ખોલી હતી. અંદર જતાં અંદર સિમેન્ટનાં પતરાં તૂટેલાં તથા શોકેસમાંથી અને ટેબલના ખાનામાંથી માલસામાન ગુમ જણાયો હતો. આ દુકાનમાંથી રીયલમી-સી 12, રીયલમી-સી-25-વાય, રેડમી નોટ-10 પ્રાઈમ તથા ઈયર બડસ નંગ-ચાર, બ્લુટૂથ નંગ-બે કુલ રૂા. પ0,000ની મતાની ચોરી કરી નિશાચરો પલાયન થઈ ગયા હતા. પોલીસની નાઈટ કોમ્બિંગ, આશ્ચર્યજનક તપાસ વચ્ચે વધતાં ચોરીના બનાવોથી લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.