ભુજ, તા. 1 : તાલુકાના લાખોંદ પાસેના ચંદ્રુઆ
પાટિયા નજીક ખાનગી સ્કૂલ બસમાંથી અટલનગર (ચપરેડી)ના 31 વર્ષીય કંડક્ટર એવા નરેન્દ્રભાઈ
ગોપાલભાઈ વાણિયા પટકાતાં માથાંમાં ગંભીર ઈજાનાં પગલે સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું, જ્યારે ગઈકાલે નખત્રાણાના દેશલપર (ગું.)થી જીંજાય
જતા માર્ગે મજૂર મહિલાઓને લઈ જતી ટ્રેકટર ટ્રોલીમાંથી દેશલપર (ગું.)ના મજૂર મહિલા જુબેદાબેન
આદમભાઈ રમઝાનભાઈ થુડિયા (મુસ્લિમ) ટ્રોલીમાંથી નીચે પડી જતાં અને તેના પર ટ્રોલીનું
પાટિયું પડતાં ગંભીર રીતે ઘવાતાં મોત થયું હતું. ચંદ્રુઆ પાટિયા પાસેના બનાવ અંગે આજે
પદ્ધર પોલીસ મથકે મૃતક નરેન્દ્રભાઈના ભાઈ ધર્મેન્દ્રભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ અપરિણીત
તેના મોટાભાઈ મહેન્દ્રભાઈ બીએમસીબી સ્કૂલ વર્ધમાનનગર (ભુજોડી)માં સ્કૂલ બસમાં કંડકટર
તરીકે નોકરી કરતા હતા. ગત તા.21/2ના શાળામાંથી રજા પડતાં સ્કૂલ બસથી બાળકોને ઘર બાજુ મૂકવા જતા હતા ત્યારે ચંદ્રુઆ પાટિયા પાસે સ્કૂલ બસ નં.
જીજે-12-ટી-4788વાળાના ચાલક ભચાભાઈ ઉર્ફે ભચુભાઈ
રામાભાઈ ગાગલ (રહે. અટલનગર-ચપરેડી)એ બસ પૂરઝડપે - બેદરકારીથી ચલાવી સામેથી આવતી ગાડીને
કાવો મારી ઓવરટેક કરવા જતાં કંડકટર મહેન્દ્રભાઈ પોતાનું સંતુલન ખોઈ દેતાં ચકરી ખાઈને
ચાલુ બસે નીચે પટકાયા હતા. આથી મહન્દ્રભાઈને માથાંમાં ગંભીર ઈજા પહોંચતાં પ્રથમ ભુજની
જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા
હતા. જ્યાં શત્રક્રિયા કરવામાં આવી હતી, પરંતુ સારવાર કારગત ન નીવડતાં તા.24/2ના તેમનું હોસ્પિટલના બિછાને મૃત્યુ નીપજ્યું હતું. પદ્ધર પોલીસે
ફરિયાદના આધારે બસચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ નખત્રાણા
પોલીસ મથકે દેશલપર (ગું.)ના આમદભાઈ થુડિયા (મુસ્લિમ)એ નોંધાવેલી વિગતો મુજબ ગઈકાલે
સવારે ટ્રેકટર નં. જીજે-12-એફએફ-2336વાળાના ટ્રેકટરચાલક તેની ટ્રેકટર
ટ્રોલીમાં આશરે બારેક મજૂરી કામ કરતી બહેનોને બેસાડી પોતાની વાડીમાં મજૂરી કામ અર્થે
લઈ જતા હતા. દેશલપર (ગું.)થી જીંજાય જતા માર્ગે સામેથી એક બોલેરો ગાડી આવી જતાં ટ્રેકટરચાલકે
ઉબડ-ખાબડ રસ્તાની સાઈડમાં લેતાં જાહેર કરનાર આમદભાઈના પત્ની જુબેદાબેન ટ્રોલીમાંથી
નીચે પડી ગયા હતા અને ટ્રોલી ઉપર લાગેલું પાટિયું તેની ઉપર પડતાં ગંભીર ઈજાનાં પગલે
તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.