ગાંધીધામ, તા. 26 : તાલુકાના ગળપાદરમાં યુવાન પરિણીતાના
આપઘાત પ્રકરણે તેના પતિ તથા નણંદ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. રાજસ્થાનના બાડમેર
ચૌહટનમાં રહેનાર મોનિકા ઉર્ફે માની જાટ નામની યુવતીએ આરોપી એવા દલારામ સુસરારામ જાટ
સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. દોઢેક વર્ષ પહેલાં પ્રેમ લગ્ન બાદ આ આરોપી પોતાની પત્નીને
ગળપાદરમાં લઈ આવ્યો હતો અને અહીં રૂમમાં બંધ કરીને રાખતો હતો તથા વારંવાર મારકૂટ કરી
શારીરિક માનસિક ત્રાસ આપી તારા પિતાના ઘરેથી પાંચ લાખ લઈ આવવાની વાત કરતો હતો તેમજ
દલારામની બહેન શાંતિ પણ વારંવાર દહેજ માટે દબાણ કરતી હતી. આ બનાવ અંગે મોનિકાએ પોતાના
પિતા એવા બનાવના ફરિયાદી મુલતરામ વગતારામ જાટને ફોન કરી જાણ કરી હતી. બાદમાં તા. 23/11ના તેણે ગળેફાંસો ખાઈ જીવ દીધો
હતો બનાવ અંગે તેના પતિ અને નણંદ સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.