• શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

હનીટ્રેપ કેસમાં મહિલા આરોપીની જામીન અરજી ફરી નામંજૂર

ભુજ, તા. 30 : કચ્છ અને મુંબઇના રાજાકીય-સામાજિક માથાંઓને સાંકળતા ચર્ચાસ્પદ હનીટ્રેપ કેસમાં મહિલા આરોપી આશા ગોરી (પટેલ)ની નિયમિત જામીન અરજી ફરી એકવાર જિલ્લા અદાલતે નામંજૂર કરી હતી. હાલે જ્યુડિશિયલ કસ્ટડી ભોગવી રહેલી મહિલા તહોમતદાર આશા ગોરી માટે હાઇકોર્ટ સમક્ષ કરાયેલી જામીન અરજી પરત ખેંચી લેવાયા બાદ પુન: જિલ્લા સ્તરે રજૂ કરાયેલી જામીન અરજીની સુનાવણી અત્રે અધિક સેશન્સ જજ વી.વી. શાહની અદાલત સમક્ષ થઇ હતી. બન્ને પક્ષની દલીલો સાંભળવા સાથે જરૂરી આધાર-પુરાવા તપાસી ચાર્જશીટમાં મળતા પુરાવો અને હાઇકોર્ટમાં પરત ખેંચાયેલી જામીન અરજી જેવા મુદ્દા કેન્દ્રમાં રાખીને જામીન અરજી નામંજૂર કરતો ચુકાદો અપાયો હતો. આ સુનાવણીમાં ફરિયાદ પક્ષ તરફથી વકીલ તરીકે અત્રેના આર.એસ. ગઢવી સાથે કે.પી. ગઢવી અને વી.જી. ચૌધરી હાજર રહ્યા હતા. 

આદિપુરમાં 25 હજારનો મોબાઇલ ફોન સેરવાયો

ગાંધીધામ, તા. 30 : અહીંના આદિપુર ખાતે વોર્ડ -2-બી મધ્યે પ્લોટ નંબર 165માં રહેતા યુવાનનો 25 હજારનો મોબાઇલ ફોન સેરવી લેવાયો હતો. આદિપુર પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ગઇ તા. 21-5ના રાત્રિના એક વાગ્યાથી સવારના 6-30 વાગ્યા દરમ્યાન આ બનાવ બન્યો હતો. મૂળ મધ્યપ્રદેશ અને હાલે આદિપુર રહેતા ગૌતમકુમાર નાથુરામ ડહારે મકાનની છત પર સૂતા હતા. ત્યારે કોઇ અજાણ્યો ઇસમ ધસી ગયો હતો અને ઓશિકાની બાજુમાં રાખેલો રેડમી કંપનીનો મોબાઇલ ફોન રૂા. 25 હજારનો ચોરી કરી તહોમતદાર પલાયન થઇ ગયો હતો. આ અંગે યુવાનની ઇ -ફરિયાદ પરથી ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

Janmadin Vishesh Purti

Panchang