ભુજ, તા. 22 : હૃદયરોગી
માટે વિશ્વાસ, સુરક્ષા અને ચોક્કસ સારવાર મહત્ત્વપૂર્ણ હોવાથી આ દિશામાં
એક પગલું ભરતાં કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ભુજ
દ્વારા કચ્છના પશ્ચિમ ભાગમાં પ્રથમ વખત આઇવીયુએસ અને રોટાબ્લેશન જેવી અદ્યતન હૃદય સારવાર
ટેક્નોલોજી શરૂ કરાઇ છે. ઇન્ટ્રાવાસ્ક્યુલર અલ્ટ્રાસાઉન્ડ-હૃદયની નસોની સોનોગ્રાફી
દ્વારા હૃદયની નસોને અંદરથી જીવંત રીતે જોઈ શકાય છે. આ ટેક્નોલોજીથી બ્લોકેજની ઊંડાણપૂર્વક
અને ચોક્કસ માહિતી મળે છે, જેના આધારે યોગ્ય સ્ટેન્ટ સાઈઝ અને
ચોક્કસ સ્થાન પર સ્ટેન્ટ મૂકવામાં મદદ મળે છે. રોટાબ્લેશન ટેક્નોલોજી દ્વારા કઠિન અને
કેલ્શિયમ ભરેલા બ્લોકેજની પણ સુરક્ષિત અને સફળ રીતે સારવાર શક્ય બની છે, જે અગાઉ સામાન્ય એન્જિયોપ્લાસ્ટીથી શક્ય ન હતી. આ અદ્યતન સુવિધાઓથી હૃદયની
સારવાર વધુ સુરક્ષિત, અસરકારક અને લાંબા ગાળે ઉત્તમ પરિણામ આપનારી
બની છે. કચ્છના દર્દીઓને આ પ્રકારની સારવાર માટે મોટા શહેરોમાં જવાની જરૂર નહી પડે
તેવું યાદીમાં જણાવાયું હતું અને કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કચ્છના લોકો
માટે વિશ્વસ્તરીય સારવાર અને માનવતાપૂર્ણ સેવા સાથે પ્રતિબદ્ધ હોવાનું ઉમેર્યું હતું.