બાંગલાદેશમાં શેખ હસીનાની સરકારના પતન અને પલાયન
પછી ભારે હિંસાચાર શરૂ થયો અને ભારતમાં શેખ હસીનાને રાજ્યાશ્રય મળ્યા પછી ભારતવિરુદ્ધ
લોકોની લાગણીઓ ભડકાવવામાં આવી. આંદોલન ભારત અને હિન્દુવિરોધી થયું. હિન્દુસ્તાનના ભાગલા
વખતની કત્લેઆમનાં દૃશ્યો તાજાં થયાં અને ભુલાય તે પહેલાં જ હિંસાચારનો બીજો તબક્કો
શરૂ થયો છે અને આખો દેશ હિંસાની આગમાં હોમાયો છે,
ત્યારે એની જવાબદારી બાંગલાદેશના ચીફ એડવાઈઝર મોહમદ યુનુસની સરકારની
છે અથવા તો એમના હાથમાં અંકુશ નથી એમ કહી શકાય. શેખ હસીના સરકારના પતનમાં જેની મુખ્ય
ભૂમિકા હતી તે યુવા છાત્ર નેતા ઉસ્માન હાદી ઉપર 12મી ડિસેમ્બરે ગોળીબાર થયો. માથામાં ગોળીઓ મારીને હત્યારા
મોટરબાઈક ઉપર ભાગી છૂટયા. સ્થાનિક પોલીસ તંત્ર કહે છે કે, હત્યારા સરહદ વટાવીને ભારતમાં પ્રવેશ્યા છે. ગમે તેમ પણ આવો પ્રચાર થયા પછી
હિન્દુઓ નિશાન ઉપર આવ્યા છે. ઠેર-ઠેર હુમલા થયા છે. ભારતના હાઈ કમિશનરના કાર્યાલય અને
રહેઠાણ ઉપર પથ્થરમારો થયો છે. ભારત સરકારે આ સ્થિતિની ગંભીર નોંધ લઈને બાંગલાદેશના
હાઈ કમિશનરને બોલાવી વિરોધ નોંધાવ્યો છે. નોંધપાત્ર બાબત એ છે કે, બાંગલાદેશની સંસદની ચૂંટણી જાહેર થયા પછી તોફાન શરૂ થયા અને ફેલાયા છે. લગભગ
16 મહિના યુનુસની વચગાળાની સરકારે
સંસદીય કાર્યવાહીની મંજૂરી વિના શાસન કર્યું છે. હવે ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ભારત
તથા દુનિયાની નજર ચૂંટણી ઉપર છે. ચૂંટણી નિષ્પક્ષ અને પ્રામાણિક થાય છે કે નહીં તે
જોવાનું છે. શેખ હસીનાની આવામી લીગ પાર્ટી ઉપર પ્રતિબંધ મુકાયો છે અને જમાત-એ-ઈસ્લામી
દેશભરમાં આક્રમક છે. દરમ્યાન, ઉસ્માન હાદીની હત્યાએ સ્થિતિ વણસાવી
છે. હજારો લોકો રસ્તા પર ઊતર્યા, તોડફોડ થઇ, હિન્દુઓને પણ નિશાન બનાવાયા, છાત્ર નેતાઓએ કાર્યવાહ સરકારને
ચીમકી આપી છે કે, હાદીની હત્યા કરનારા નહીં પકડાય અને સજા નહીં
થાય ત્યાં સુધી દેશમાં ચૂંટણીઓ નહીં યોજાવા દે. બાંગલાદેશમાં વિદ્યાર્થી શક્તિ પ્રભાવક
છે એટલે સરકાર માટે ચિંતા સર્જાઇ છે. ઉતાવળે ખટલો ચલાવવા ફાસ્ટટ્રેક કોર્ટ રચવાનું
એલાન કરવામાં આવ્યું છે. હિંસાચારમાં બાંગલાદેશના મુખ્ય અખબાર ભવન ઉપર હુમલો થયો અને
આગ ચાંપવામાં આવી. પત્રકારો અને કર્મચારીઓને મુશ્કેલીથી બચાવવામાં આવ્યા. હિંસાખોરોને
ઉશ્કેરવામાં આવ્યા હતા કે અખબાર ભારત અને હસીના તરફી છે, જ્યારે
હકીકતમાં આ અખબાર - ડેઈલી સ્ટાર હસીના વિરોધી આંદોલનમાં સક્રિય હતું. આમ છતાં હુમલો
થયો તેની પાછળ રાજકારણ હોવાની શંકા છે. શું આ હિંસાચાર ચૂંટણી રદ કરવા માટે છે?
આંદોલન શા માટે છે? લક્ષ્ય ઉપર હિન્દુ અને ભારત
હોય ત્યારે કયા વિદેશી હાથ લોહિયાળ બની રહ્યા છે? જો કે,
ભારત માટે તો વિચારવાનું એ છે કે, આ સ્થિતિની તેને
અસર શું થઈ શકે? ઉસ્માન હાદી હળાહળ ભારત વિરોધી હતો. ભારત વિરુદ્ધ
કાયમ ઝેર ઓકતો તેની હત્યા પછી આ સ્થિતિ થઈ તેનો અર્થ ઘણો ગંભીર છે. બાંગલાદેશમાં `આઈએસઆઈ'નું પણ અસ્તિત્વ છે. ચીન તો ભૌગોલિક
સ્થિતિનો દુરુપયોગ કરીને પૂર્વોત્તરના રાજ્યો ઉપર કંઈ પણ કરી શકે. જો બાંગલાદેશમાં
હિંસા કાબૂમાં આવે તો પ્રશ્ન નથી. અત્યારે તો એવું કહી શકાય કે, ભારતના લશ્કરે ચીન અને પાકિસ્તાન સરહદે પહેરો ભરતાં-ભરતાં એક આંખ બાંગલાદેશ
તરફ પણ રાખવી પડે. પાકિસ્તાની જુલમ અને સીતમથી મુક્તિ અપાવનાર ભારતની મદદથી આઝાદ બાંગલાદેશનો
જન્મ થયો છે, તે હકીકત ભુલાવીને પાકિસ્તાન વેર વાળવા માગે છે,
પણ ભારત તૈયાર - સાવધાન અને સજ્જ છે.