રાપર, તા. 22 : શહેરમાં
આખલાઓ અને રખડતાં ઢોરનો ત્રાસ પ્રતિદિન વધતો જાય છે. છેલ્લા એકાદ વર્ષમાં ત્રણ માનવ
જિંદગીનો ભોગ લેનાર આખલાની અડફેટે ચડતાં અમરશીભાઈ પૂંજાભાઈ માલીનો જીવનદીપ બૂઝાયો હતો.
આ વર્ષમાં જ ચોથો બનાવવા બનતા શહેરીજનો માં તંત્ર પ્રત્યે આક્રોશ હોકી ઉઠ્યો છે. આ
અંગે પ્રાપ્ત માહિતી મુજબ ગતરાત્રે અમરશીભાઈ ભૂટકીયાથી રાપર તેમનાં એકટીવાથી આવી રહ્યા
હતા. પાબુધાર પાસે આખલાએ અડફેટે લેતાં ગંભીર ઈજાઓ થઈ હતી. ગંભીર હાલત માં તેમને હોસ્પિટલમાં ખસેડાતાં તેમનું મૃત્યુ થયું
હતું. અગાઉ એક ભરવાડ યુવાન, કરસનભાઈ માલી નામનાં પ્રૌઢ અને લોહાણા
સમાજનાં અગ્રણી વસંતભાઈ આદુઆણીનુ આખલા હડફેટે મોત નીપજ્યું હતું. સાઈઠ વર્ષીય વૃદ્ધ
ચોથા નિર્દોષ નાગરિક છે. ચાર ચાર નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો હોવા છતાં તંત્ર દ્વારા
રખડતાં ઢોર મુદ્દે કોઈ ઠોસ કામગીરી ન કરાતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અગાઉ
અનેક વખત રખડતા ઢોર મુદ્દે મળેલી બેઠકોમાં વાતો સિવાય કાંઈ થયું ન હોવાનું આ બનાવ પરથી
જણાય છે. તાજેતરમાં ધારાસભ્ય વિરેન્દ્રાસિંહ જાડેજા સાથે થયેલી બેઠકમાં તાલુકાની તમામ
પાંજરાપોળો અને ગૌશાળાઓ આખલાઓ સાચવવા માટે સહમત થયા હોવા છતાં નગરપાલિકા દ્વારા આ રખડતાં
ઢોરને પકડીને શા માટે મોકલી આપવામાં નથી આવતાં તેવો સવાલ લોકો પુછી રહ્યા છે. અનેક
લોકોને ઘાયલ કરી અને કેટલાયને યમસદન પહોંચાડતાં આવાં રખડતાં ઢોર અને આખલાઓ પ્રત્યે
તંત્રની ઉદાસીનતા લોકોને અકળાવી રહી છે. ત્યારે હજી કેટલા નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયા
બાદ નિંભર તંત્રની આળસ ઉડશે તેવો પ્રશ્ન નગરજનો પુછી રહ્યા છે.