• મંગળવાર, 23 ડિસેમ્બર, 2025

ભચાઉ : કાળજું કંપાવનારા અકસ્માતમાં માસૂમ બાળક ભડથું

ગાંધીધામ, તા. 22 : ભચાઉ-સામખિયાળી ધોરીમાર્ગે કેસરી રિસોર્ટ સામે આઈસર ટેમ્પો અને કાર ભટકાતાં ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી, જેમાં કારમાં રહેલા વિરાજ કેતન શ્રીમાળી નામનું માસૂમ બાળક ઘવાયેલા માતા-પિતાની નજર સમક્ષ ભડથું થતાં ભલભલાના હૃદય કંપી ઊઠયાં હતાં. અકસ્માત જોઈને પાછળ આવતું ટ્રેઈલર ઊભું રહી જતાં તેમાં પાછળથી અન્ય ટ્રેઈલર ભટકાયું હતું, જેમાં પાછળનાં વાહનના ચાલક અજયરાય બિન્દેશ્વરરાયનું મોત થયું હતું.

પરિવાર અત્રે મોરબી જવા નીકળ્યો હતો

ગાંધીધામના ભારતનગરમાંથી કેતન શ્રીમાળી તેમના પત્ની અને અઢી વર્ષીય બાળક વિરાજ ટિયાગો કાર નંબર જી.જે-12-ડીજી-6779માં સવાર થઈને રાત્રે મોરબી જવા નીકળ્યા હતા. કેતન મોરબી બાજુ કોઈ કંપનીમાં કામ કરતો હોવાથી આ કુટુંબ ત્યાં જઈ રહ્યું હતું. આ કાર ભચાઉ-સામખિયાળી ધોરીમાર્ગ ઉપર ભચાઉ નજીક કેસરી રિસોર્ટની સામે પહોંચી હતી ત્યારે આગળ પ્લાયવૂડ ભરીને જતાં આઈસર ગાડી નંબર જી.જે-24-એક્સ-5917ના ચાલકે અચાનક પ્રથમ લેનમાંથી વચ્ચેની લેનમાં પોતાનું વાહન લેતાં કાર સાથે અથડાયું હતું. આ અકસ્માતને પગલે સી.એન.જી. કારમાં આગ લાગી હતી અને તેમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. પ્લાયવૂડ ભરેલા આઈસર વાહનમાં પણ આગ લાગી હતી.

પતિ-પત્નીને કારના કાચ તોડી બહાર કઢાયા

અકસ્માતના પગલે લોકો એકઠા થયા હતા અને કારમાં ફસાયેલા કેતન શ્રીમાળી તથા નેહાબેનને ખાલી સાઈડના કાચ તોડી કાઢવામાં આવ્યા હતા. દરમ્યાન પોતાનું નાનું બાળક અંદર ફસાઈ જતાં માતાએ રાડારાડ કરી તે બહાર કાઢવા કહ્યું હતું. કારની પાછળની સીટમાં બાળક સૂતું હતું જે અકસ્માત થતાં બે સીટ વચ્ચે ફસાઈ ગયું હતું. માતાની બૂમાબૂમ પછી લોકો બાળકને કાઢવા જતાં આગ વધુ પ્રસરી જતાં બાળકને બહાર કાઢી શકાયું ન હતું, જેમાં આ માસૂમ ભડથું થઈ ગયું હતું.  અગ્નિશમન દળે પાણીનો મારો ચલાવ્યો દરમ્યાન પોલીસ અને ભાચઉ અગ્નિશમન દળ ત્યાં દોડી આવ્યા હતા અને પાણીનો સતત મારો ચલાવી બંને વાહનો પરની આગને કાબૂમાં લીધી હતી. કારમાં જોવાતાં બાળક સંપૂર્ણ સળગી ગયેલી હાલતમાં મળ્યું હતું. બનાવમાં ઘવાયેલા તેના માતા-પિતાને વધુ સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

ટ્રેઈલરના સળિયા પાછળના ટ્રેઈલરની કેબિનમાં ઘૂસી ગયા

આ અકસ્માતને પગલે નલિયાથી મોરબી જઈ રહેલા ટ્રેઈલર નંબર જી.જે.-12-બી-એક્સ-8524ના ચાલક એવા આ બનાવના ફરિયાદી બહાદુરસિંહ શંકરસિંહ રાવતે પોતાનું વાહન ઊભું રાખી દીધું હતું. તેવામાં પાછળથી આવતું ટ્રેઈલર નંબર જી.જે-12-બીવાય-7103 ફરિયાદીના ટ્રેઈલરમાં પાછળથી ભટકાયું હતું. પાછળના આ વાહનમાં સળિયા ભરેલા હોવાથી અકસ્માત સર્જાતાં સળિયા કેબિનમાં ઘૂસી ગયા હતા તેમજ બંને ટ્રેઈલર વચ્ચે ફસાઈ જતાં ગંભીર ઈજાઓનાં પગલે પાછળના વાહનના ચાલક અજયરાયનું મોત થયું હતું. અગ્નિશમન દળે રાત્રે ત્રણેક કલાક પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. બાદમાં સવારે ફરીથી આઈસરમાં ભરેલી પ્લાયમાં આગ લાગતાં આજે બપોરે તેને કાબૂમાં લેવામાં આવી હતી. ભલભલાનાં કાળજાં હચમચાવી દેનારા આ બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

Panchang

dd