માઉન્ટ મોનુગાઇ,
તા.22: યુવા
ઝડપી બોલર જેકોબ ડફીની પ વિકેટની મદદથી છેલ્લી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધ ન્યુઝીલેન્ડનો
323 રને શાનદાર વિજય થયો હતો. આ જીતથી ન્યુઝીલેન્ડનો 2-0થી શ્રેણી વિજય થયો છે. 462 રનના વિજય લક્ષ્યનો પીછો કરી રહેલ વિન્ડિઝ ટીમનો મેચના
છેલ્લા દિવસે નાટકિય ધબડકો થયો હતો અને પૂરી ટીમ 80.3 ઓવરમાં
138 રને ઓલઆઉટ થઇ હતી. એક તબક્કે વિન્ડિઝના વિના વિકેટે
87 રન હતા. આ પછી કિવિઝની કાતિલ બોલિંગ સામે વિન્ડિઝ ટીમ
અચાનક જ ધરાશાયી થઇ હતી અને વધુ પ1 રનમાં
તમામ 10 વિકેટ ગુમાવી દીધી હતી. પ્લેયર
ઓફ ધ મેચ ડવેન કોન્વેએ 227 અને
100 રનની ઈનિંગ રમી હતી. જયારે શ્રેણીમાં 23 વિકેટ લેનાર જેકોબ ડફી પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર થયો
હતો. વેસ્ટ ઇન્ડિઝે આજે તેનો બીજો દાવ વિના વિકેટે 43 રનથી
આગળ વધાર્યો હતો. મેચ ડ્રો કરવા તેમણે પૂરો દિવસ કાઢવાનો હતો, પણ લંચ પછી વિન્ડિઝ ટીમનો 138 રનમાં
ધબડકો થયો હતો. આથી કિવિઝની 323 રને
સરળ જીત થઇ હતી. ઓપનર બ્રેંડન કિંગે 96 દડામાં
13 ચોગ્ગા સાથે સર્વાધિક 67 રન કર્યાં હતા. જોન કેમ્પબેલે 16, ટેવિન ઇમલાકે 90 દડામાં
અણનમ 1પ અને એન્ડરસન ફિલિપે 10 રન કર્યાં હતા. બાકીના તમામ કેરેબિયન બેટર્સ સીંગલ
ફીગરમાં આઉટ થયા હતા. ન્યુઝીલેન્ડ તરફથી જેકોબ ડફીએ 42 રનમાં પ વિકેટ લીધી હતી. સ્પિનર એઝાઝ પટેલને 3 વિકેટ મળી હતી. ન્યુઝીલેન્ડે પહેલો દાવ 8 વિકેટે પ7પ
રને ડિકલેર કર્યો હતો. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝના 420 રન
થયા હતા. ન્યુઝીલેન્ડે બીજો દાવ 2 વિકેટે
306 રને ડિકલેર કર્યો હતો. 462 રનના વિજય લક્ષ્યાંક સામે વિન્ડિઝ ટીમ 138 રને ઢેર થઇ હતી.