• મંગળવાર, 23 ડિસેમ્બર, 2025

સારવાર-શત્રક્રિયાના આંકડા જ સેવાની મહત્તા સિદ્ધ કરે છે

ભુજ, તા. 22 : સુપાર્શ્વ જૈન સેવા મંડળની  સ્થાપનાથી આજ સુધી અબોલ જીવોની સારવાર અને શસ્ત્રક્રિયાના આંકડાઓ જ કલાપૂર્ણસૂરિ કરુણાધામ હોસ્પિટલની સેવાની મહત્તા સિદ્ધ કરે છે, તેવું મંડળ સંચાલિત હોસ્પિટલ ખાતે વિવિધ પ્રકલ્પોની તક્તીઓનાં અનાવરણ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડોએ જણાવ્યું હતું. આ પ્રસંગ શ્રી ચાવડાએ વધુમાં ઉમેર્યું કે, આ એક સફળ અને પારદર્શી નેતૃત્વ થકી શક્ય છે' તેવું કહી જીવદયા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપવા બદલ એનાયત કરાતાં એવોર્ડ માટે પક્ષ તરફથી સંસ્થા પ્રમુખ કૌશલભાઈ મહેતાનું નામ આપવાનું કહ્યું હતું.

અગ્રણીઓ દ્વારા સહયોગની જાહેરાત

ધારાસભ્ય કેશુભાઈ પટેલે હોસ્પિટલ ખાતે અબોલ જીવો માટે શેડ બનાવવા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પાંચ લાખ જાહેર કર્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે કતલખાના વિરુદ્ધ લોકજાગૃતિ હેતુ આરએસએસના નેજા હેઠળ નિર્માણ પામેલ ગૌસેવા સમિતિની સંચાલક ટીમમાં સંસ્થા સભ્યો સાથે કરેલી કામગીરીનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં. અમૂલ ડેરીના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલ્લમજીભાઈએ વિવિધ સારવારમાં ઉપયોગી એવા રૂા. 10થી 15 લાખ સુધીના મેડિકલ સાધનો માટે સહયોગ આપવા જાહેરાત કરી હતી. આ પ્રસંગે રાજુભાઇ જોષી (ભગવતીધામ-ભુજ), મહંત કિશોરદાસજી મહારાજ કબીર મંદિર-ભુજ, પ્રદીપ્તાનંદજી સરસ્વતી (આર્ષ અધ્યયન કેન્દ્ર-ભુજ), દેવી બા (મહામાયા ધામ-કોઠારા)એ આશીર્વાદ પાઠવ્યા હતા.

સંસ્થાનાં જીવદયા કાર્યો બિરદાવાયાં

જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી, જૈન સાત સંઘ પ્રમુખ સ્મીતભાઇ ઝવેરી, જિલ્લા ભાજપ ઉ.પ્ર. શીતલભાઈ શાહ, પ્રવીણભાઈ પિંડોરિયા, ભુજ નગરસેવિકા અને પૂર્વ ઉ.પ્ર. રેશ્માબેન ઝવેરી, ભુજ શહેર ભાજપ મહામંત્રી જિગરભાઈ શાહે સંસ્થાની પ્રવૃત્તિને બિરદાવી હતી. ટ્રસ્ટી મંડળના કમલનયન મહેતા, કમલેશભાઇ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે સંતો-મહંતો, અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. સંસ્થા પ્રમુખ કૌશલભાઈ મહેતાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં સંસ્થા દ્વારા કરાતી પ્રવૃત્તિઓની વિગત સાથે હોસ્પિટલ દ્વારા વર્ષ 2013થી નવે. 2025 સુધી કુલ 49,541 સારવાર અને 14350 શસ્ત્રક્રિયા કરાઈ હોવાનું જણાવ્યું હતું.

દિવંગત ટ્રસ્ટીના સ્થાને નવા ટ્રસ્ટીઓ નિમાયા

ટ્રસ્ટી મંડળમાં ગત સમય દરમિયાન ત્રણ દિવંગત ટ્રસ્ટીગણ પૂર્વ રાજ્યમંત્રી સ્વ. તારાચંદભાઇ છેડા, કલાપૂર્ણ સ્મારક ટ્રસ્ટના સ્વ. હીરાલાલભાઇ પારેખ અને પૂર્વ ધારાસભ્ય સ્વ. મોહનભાઈ શાહના સ્થાને ટ્રસ્ટીગણની નિમણૂક કરવાની હોતાં કલાપૂર્ણ સ્મારક ટ્રસ્ટમાંથી ધીરજલાલ મણિલાલ મહેતા, સર્વ સેવા સંઘ-ભુજ અને ક.વી.ઓ. જૈન મહાજન-ભુજ પ્રમુખ જિગરભાઈ તારાચંદભાઇ છેડા, કીર્તિભાઇ કે. સંઘવીનાં નામો ટ્રસ્ટી  કમલનયનભાઈ મહેતા દ્વારા જાહેર કરાયાં હતાં. પુન: નિર્માણાધીન જીવદયા સર્કલ અનાવરણ લાભાર્થી - માતા શાંતાબા શાંતિલાલ અદાણી પરિવાર, નવનિર્મિત જીવદયા ઉદ્યાન અનાવરણ લાભાર્થી - પાર્શ્વનાથ શ્વે. મૂ. જૈન સંઘ (સાંધાણી) - ઘાટકોપર - વેસ્ટ (મુંબઇ), સમોવસરણ તથા થિયેટરનું અનાવરણ લાભાર્થી - દેવપાલ કાંતિલાલ શાહ પરિવાર - ડભોઇ (હાલે વડોદરા), ઘાસ - ગોડાઉનનું અનાવરણ લાભાર્થી - તરલાબેન કીર્તિભાઇ ગુલાબચંદભાઇ શાહ પરિવાર - ભુજ-કચ્છ, ઓવરહેડ ટેન્ક પ્રથમ માળે ઉપાશ્રયનું અનાવરણ ભુજ છ કોટિ સ્થા. જૈન સંઘ દ્વારા કરાયું હતું. સુપ્રસિદ્ધ શાસનસેવક શાસનભાઈ (તપોવની) સાથે સંગીતકાર ચરિત્ર સુરાના (તપોવની) દ્વારા `જીવદયાની ભાવયાત્રા' નામે અનેક લોકોના જીવનમાં જીવદયા નિમિત્તે થયેલા ચમત્કારો અને વિવિધ ધર્મોમાં જીવદયાનું મહત્ત્વનું સંગીતમય વર્ણન કરાયું હતું.

જીવદયા માટે દાતાઓ વરસ્યા

ઉપસ્થિતોએ દાનની સરવાણી વહાવી હતી, જેમાં સમોવસરણ તથા થિયેટરના  લાભાર્થી પરિવારના દર્શનાબેન તથા દેવપાલ કાંતિલાલ શાહના વર્ષીતપ નિમિત્તે રૂા. પ.પ1 લાખ સમોવસરણની એક મૂર્તિ સ્થાપનાના લાભ માટે જાહેર કરાયા હતા. ભુજ છ કોટિ સ્થા. જૈન સંઘ દ્વારા વધુ 1.11 લાખ, માતા દિવાળીબેન મણિલાલ મહેતા પરિવાર હસ્તે ધીરજભાઈ મણિલાલ મહેતા દ્વારા રૂા. 1,11,111, મહેન્દ્રભાઈ અને  નયનાબેન રામાણી તરફથી સૂકા ઘાસચારા માટે રૂા. 1,0,000 રૂા. મનસુખભાઈ નાગડાની પ્રેરણાથી સૂકા ઘાસચારા માટે રૂા. 7,000, દીપકભાઈ ભેદા તથા  ગિરીશભાઈ ભેદા, પ્રવીણભાઈ પિંડોરિયા દ્વારા 57મા જન્મદિન નિમિત્તે રૂા. પ7,000નું ઉપરાંત અન્ય ઉપસ્થિત જીવદયાપ્રેમીઓ દ્વારા દાન જાહેર કરાયું હતું. ઉપસ્થિત સંતો-મહંતો, અગ્રણીઓ, દાતા પરિવારોનું સન્માન કરાયું હતું. સંચાલન નીલેશભાઈ મહેતા, રિતેશભાઈ શાહ તથા મનનભાઈ ઠક્કરે, આભારવિધિ મંત્રી સમીરભાઈ શાહે કરી હતી. આ પ્રસંગે રાજેશભાઈ પારેખ, મહેશભાઈ શાહ, સમીરભાઈ શાહ, ધર્મેન્દ્રભાઈ વોરા (કુમાર ફૂટવેર), રાહુલભાઈ ઝવેરી, મનીષભાઈ દોશી, બિપિનભાઈ શાહ, હેમલભાઈ દોશી, ફોરમભાઈ શાહ (દીપક ચા), દીપકભાઈ રાજા, અલ્પેશભાઈ વોરા, અમિતભાઈ શાહ, સંજયભાઈ શાહ, કીર્તિભાઇ વોરા, ભવ્ય મહેતાએ જહેમત ઉઠાવી હતી. હોસ્પિટલ મેનેજર પ્રકાશભાઈ ઢીલા, રાજુભાઈ ગોરે વ્યવસ્થા સંભાળી હતી.

Panchang

dd