નવી દિલ્હી,
તા. 22 : ભારત-ન્યૂઝીલેન્ડ
વચ્ચે મુક્ત વેપાર કરાર થયાની પૃષ્ઠભૂમિમાં લાંબા સમયથી ચર્ચાતી અને અટકી પડેલી અમેરિકા
સાથેની વેપાર સમજૂતી અંગે વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે, ભારત-અમેરિકા વચ્ચે વેપાર સમજૂતીની વાટાઘાટો અંતિમ ચરણમાં છે અને ટૂંક સમયમાં
તે સાકાર થવાની આશા છે. આ ઉપરાંત વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલ દ્વારા પણ કહેવામાં આવ્યું
હતું કે, આ મહિનાની શરૂઆતમાં ભારત અને અમેરિકા વચ્ચે પારસ્પરિક
ટેરિફ ઘટાડવાની ચર્ચા અંતિમ તબક્કે પહોંચી છે. ભારત અને અમેરિકા દ્વારા થયેલી વાતચીતોમાં
દ્વિપક્ષીય વેપાર કરાર અને ટેરિફ અંગેની બાબતોનો સમાવેશ થાય છે. અગ્રવાલે આગળ કહ્યું
હતું કે, મોટાભાગની ભારતીય નિકાસો ઉપરના ઊંચા ટેરિફમાં ઘટાડો
કરવા માટે અને દેશો વચ્ચે વચગાળાની કોઈ સમજૂતી થાય તેવી આશા છે. અમેરિકા સાથે સમજૂતીની
આશા વચ્ચે પીયૂષ ગોયલે વિશ્વાસ પ્રગટ કર્યો હતો કે, ભારત ઈન્ડો-પેસિફિકમાં
આર્થિક અસ્તિત્વને વધુ દૃઢ બનાવવા માગે છે અને ન્યૂઝીલેન્ડ સાથેની સમજૂતી આમાં મહત્ત્વની
સાબિત થશે.