• મંગળવાર, 23 ડિસેમ્બર, 2025

બાંગલાદેશમાં વધુ એક છાત્ર નેતા ઉપર ગોળીબારથી તંગદિલી

ઢાકા, તા. 22 : બંગલાદેશ વર્તમાન સમયે હિંસાની આગમાં સળગી રહ્યું છે. શેખ હસીનાના વિરોધી અને છાત્ર નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ બંગલાદેશમાં તોફાનો ફાટી નિકળ્યા હતા અને હજી પણ ઉચાટ છે. જેમાંથી હજી લોકો બહાર આવી શક્યા નથી, તેવામાં વધુ એક છાત્ર નેતાને ગોળી મારવામાં આવી છે. આ બનાવ બાદ માહોલ ફરી તંગદિલીભર્યો બની ગયો છે. બંગલાદેશમાં સતત વણસી રહેલી સ્થિતિ વચ્ચે પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ કહ્યું છે કે યૂનુસ સરકારમાં કટ્ટરપંથીઓ મજબૂત બન્યા છે તેમજ ભારત વિરોધી માહોલ અને નિવેદનો ખતરનાક છે. મળતી વિગત પ્રમાણે અમુક અજ્ઞાત બંદૂકધારીઓએ છાત્ર નેતૃતવની નેશનલ સિટીઝન પાર્ટી (એનસીપી)ના નેતા ઉપર હુમલો કર્યો હતો. ખુલના ડિવિઝનલ હેડ મોતાલેબ સિકદરને સોમવારે ગોળી મારવામાં આવી હતી. જેમાં માથાની એક બાજુએ ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર હુમલાખોરો દ્વારા સિકદરને મારી નાખવા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જો કે તે ભાગ્યશાળી હોવાથી ગોળી કાનને લાગીને નિકળી ગઈ હતી. વર્તમાન સમયે તે જોખમની બહાર છે. આ અગાઉ છાત્ર નેતા  શરીફ ઉસ્માન હાદીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જેના પરિણામે બંગલાદેશમાં સ્થિતિ વણસી હતી અને હિંસા શરૂ થઈ હતી. મીડિયા સંસ્થાનો અને ભારતીય હાઈ કમિશન ઉપર હુમલા થયા હતા. આ ઉપરાંત એક હિંદુ યુવકને માર મારીને સળગાવી દેવાયો હતો. આ દરમિયાન બંગલાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું હતું કે, બંગલાદેશમાં ભારત વિરોધી માહોલ અને નિવેદનો ખતરનાક છે. મોહમ્મદ યૂનુસની આગેવાનીની સરકારમાં કટ્ટરપંથી તાકાતોને બળ મળી રહ્યું છે અને  લોકો પૂર્વોત્તર તેમજ ભારતના ચિકન નેક મુદ્દે ખતરનાક નિવેદનો આપી રહ્યા છે. શેખ હસીનાએ કહ્યું હતું કે આ રીતના નિવેદનો ખૂબ જ ખતરનાક અને અયોગ્ય છે. તેનાથી જોવા મળે છે કે યૂનુસના નેતૃત્વમાં કટ્ટરપંથીઓ કેટલા મજબૂત થયા છે.

Panchang

dd