ગાંધીધામ, તા. 20 : તાલુકાના શિણાય ખાતે આવેલાં
તળાવમાં મિત્રો સાથે નાહવા ગયેલ બાબુ અરજણ જોલા(ઉ.વ.36) ડૂબી જતાં તેનું મોત થયું હતું.
બીજી બાજુ કિડાણાનો ગૌરવ અર્જુનલાલ કુડિયા (ઉ.વ.21) અંતરજાળના તળાવમાં ડૂબેલી હાલતમાં મળ્યો હતો તેમજ ગાંધીધામમાં
શંકર વીરચંદ રાવલ (ઉ.વ. 35)એ ગળેફાંસો
ખાઇ જીવ દીધો હતો અને ભચાઉના ચોપડવા નજીક આગળ જતી ટ્રકમાં પાછળથી ડમ્પર અથડાતાં ડમ્પરચાલક
ભરત ગામોટ (બ્રાહ્મણ) નામના યુવાનનું મોત થયું હતું. શહેરના મહેશ્વરીનગર વિસ્તારમાં
રહેનાર બાબુ જોલા નામનો યુવાન ગઇકાલે ઢળતી બપોરે મિત્રો સાથે શિણાય આવ્યો હતો. અહીં
તે તળાવમાં નાહવા જતાં કોઇ કારણોસર ઊંડા પાણીમાં ગરક થયો હતો. તેને બહાર કાઢી સારવાર
અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આગળની તપાસ પોલીસે હાથ ધરી
છે. બીજી બાજુ કિડાણાના રાધેનગરમાં રહેનાર ગૌરવ કુડિયા નામનો યુવાન ગુમ થતાં ગાંધીધામ
બી-ડિવિઝન પોલીસ મથકે ગુમનોંધ કરાવાઇ હતી અને પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા. આ શોધખોળનો ગઇકાલે અંત
આવ્યો હતો. આ યુવાન અંતરજાળના પાતાળિયા હનુમાન મંદિર પાછળ આવેલાં તળાવમાંથી મૃત હાલતમાં
મળી આવ્યો હતો. તેણે આપઘાત કર્યો હશે કે અન્ય કંઇ હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી
છે. આપઘાતનો એક બનાવ ગાંધીધામના લીલાશાહ સર્કલ રાજગોર હોટેલની બાજુમાં બન્યો હતો. અહીં
રહેનાર શંકર રાવલ નામનો યુવાન ગઇકાલે પોતાના મકાને હતો દરમ્યાન કોઇ અગમ્ય કારણોસર તેણે
પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. જીવલેણ અકસ્માતનો બનાવ ભચાઉ
તાલુકાના ચોપડવા ઓવરબ્રિજ પાસે બન્યો હતો. ભરત નામનો ચાલક ડમ્પર નંબર જી.જે.-39-ટી.એ.-3330માં સૂરજબારીથી મીઠું ભરીને
કંડલા આવી રહ્યો હતો. તે ચોપડવા પાસે પહોંચ્યો હતો ત્યારે આગળ જતી ટ્રક-ડમ્પર નંબર આર. જે.- 19-જી.એફ.-7639ના ચાલકે અચાનક બ્રેક મારતાં
પાછળથી આવતું ડમ્પર તેમાં ઘૂસી ગયું હતું. જેમાં ભરતને ગંભીર ઇજાઓ થતાં તેને પ્રથમ
ભચાઉ અને બાદમાં આદિપુર ખાતે સારવાર અર્થે લઇ જવાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેણે
છેલ્લા શ્વાસ લીધા હતા. બનાવ અંગે ધનજી સજાભાઇ બ્રાહ્મણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
હતી.