ગાંધીધામ, તા. 17 : રાજ્યના પોલીસવડાએ 100 કલાકમાં અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવા આદેશ આપતાં પૂર્વ કચ્છ પોલીસે કમર કસીને પૂર્વ કચ્છના 1900 જેટલા શખ્સોની યાદી તૈયાર કરી છે. રાજ્યના ડી.જી.પી. વિકાસ સહાયના આદેશ બાદ પૂર્વ કચ્છ પોલીસના પોલીસવડા સાગર બાગમારની સૂચનાથી પોલીસે દોડધામ આદરી હતી અને પૂર્વ કચ્છમાં આવેલા જુદા જુદા પોલીસ મથકોમાં અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી. પૂર્વ કચ્છમાં અધધ 1900ની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં શરીર સંબંધના 224, દારૂ (પ્રોહી)ના 1100, મિલકત સંબંધી ગુના આચરતા 280 તેમજ વારંવાર જુગારમાં પકડાતા, ખનિજ ચોરી કરતા અને અન્યો મળીને આશરે 1900 જેટલા શખ્સોના નામ તૈયાર કરવામાં આવ્યા છે. પૂર્વ કચ્છ પોલીસે યાદી કરવાની સાથે આજથી કાર્યવાહીનો પણ પ્રારંભ કરી દીધો હતો, જેમાં દબાણ હટાવ, વીજબિલ ફટકારવું, વીજ જોડાણ કાપવું વગેરે કાર્યવાહી કરવામાં આવી હતી. હવે આગામી સમયમાં આવા અમુક અસામાજિક ગુંડા તત્ત્વો વિરુદ્ધ જુદી જુદી રીતે કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું. - પશ્ચિમ કચ્છ પોલીસ યાદી બનાવે છે : પગલાં લેવાશે : ભુજ, તા. 17 : રાજ્ય પોલીસવડાએ 100 કલાકમાં અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરી યોગ્ય કાર્યવાહીના આદેશના પગલે પૂર્વ કચ્છ પોલીસે 1900 જેટલા શખ્સોની યાદી તૈયાર કરી દીધી છે અને ધાક બેસાડતા પગલાં પણ શરૂ કરી દીધા છે ત્યારે આ અંગે પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસવડા વિકાસ સુંડાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, અહીં યાદી તૈયાર કરવા પોલીસ મથકોને સૂચના અપાઇ ગઇ છે અને આવતીકાલ સુધી યાદી તૈયાર થઇ જશે અને સંબંધિતો સામે થતી કાર્યવાહીના પગલાં લેવાશે તેવું તેમણે જણાવ્યું હતું.