• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

નખત્રાણા : વાયર ચોર ટોળકી ઝડપાઇ

ભુજ, તા. 8 : પશ્ચિમ કચ્છના નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકામાં પવનચક્કી અને વાડીઓના બોર પરથી કેબલની ઉઠાંતરીમાં હથરોટી ધરાતવી વાયર ચોર ટોળકીનો નખત્રાણા પોલીસે પર્દાફાશ કરી આ ગેંગના પાંચ આરોપીને ઝડપી લીધા છે, જ્યારે અન્ય છ આરોપીનાં નામ ખૂલતાં તેઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. આ વાયર ચોર ટોળકીના પર્દાફાશ અંગેની સિલસિલાવાર વિગતો મુજબ નખત્રાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે રસલિયા ઓ.પી.ના હે.કો. આનંદભાઇ ચૌધરીને ખાનગી બાતમી મળી કે, એક ઇસમ બાઇકથી ચોરીનો કેબલ વેચવા નેત્રાથી રવાપર બાજુ નીકળવાનો છે. આ બાતમીના આધારે બાઇકચાલક રમધાન હુશેન જત (રહે. નેત્રા મૂળ નાની વિરાણી)ને કેબલના ટુકડા સાથે ઝડપી પૂછપરછ કરાતાં ગલ્લા-તલ્લા કરી સંતોષકારક જવાબ ન આપતાં તેને પોલીસ મથકે લાવી યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતાં તેણે પોતાના મિત્રો સાથે મળી પવનચક્કીઓના અલગ અલગ લોકેશન તથા અલગ અલગ ગામની વિવિધ વાડીઓના બોરના કેબલ કાપી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. રમધાનની કબૂલાત અને તેના સાથીદારોનાં નામ પોલીસને આપતાં નખત્રાણા પોલીસે આ કેબલ ચોર ટોળકીના રમધાન ઉપરાંત તેનો ભાઇ મામદ હુશેન જત (રહે. આશાપર તા. લખપત, મૂળ નાની વિરાણી તા. લખપત) અને મુસા મીઠુ રાયમા (ઘડુલી, તા. લખપત), મજીદ જાફર રાયમા (ભાડરા, તા. લખપત) અને મજીદ મામદ રહીમ જત (સધીરાવાંઢ, તા. અબડાસા)ને ઝડપી પાડયા છે, જ્યારે આ ટોળકીના અન્ય આરોપી ગુલામ જુમા કુંભાર, કાસમ ઉર્ફે કાસ્યો લધા કુંભાર (બંને ઘડુલી), કાદર પેના કુંભાર (મુરુ, તા. નખત્રાણા), ઓસમાણ હાસમ કુંભાર (રવાપર, તા. નખત્રાણા), ઝકરિયા જત (બાઈવારીવાંઢ, તા. અબડાસા) અને કાસમ હાસમ સંઘાર (બાંડિયારા, તા. નખત્રાણા)ને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ કેબલ ચોર ટોળકીએ રામપર (સરવા), બાંડિયા અને ઐડાની પવનચક્કીમાં તથા નખત્રણા તાલુકાની વિવિધ વાડીઓના કેબલ પર હાથ માર્યો હતો. ઝડપાયેલાઓની ચોરી કબૂલાત અને વિગતો મળતાં ગઈકાલે જ ત્રણ કેબલ ચોરીની ફરિયાદ ભોગગ્રસ્તોને બોલાવી નોંધાવી હતી. નખત્રાણા પોલીસે 68 કિલો કોપર કેબલ કિં. રૂા. 47,600, બોરનો કેબલ કિં. રૂા. 26,000 અને બે બાઈક, એક બોલેરો પિકઅપ વિગેરે રૂા. 3,13,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રમધાન વિરુદ્ધ દયાપર પોલીસ મથકે ચોરીની સાત ફરિયાદ અગાઉ નોંધાઈ ચૂકી છે. જ્યારે નારાયણ સરોવર પોલીસ મથકની ચોરીના ગુનામાં તે નાસતો-ફરતો હતો. આ કામગીરીમાં નખત્રાણા પીઆઈ અશોક મકવાણાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. યશવંતદાન ગઢવી, જયંતીભાઈ માજીરાણા, હે.કો. આનંદભાઈ ચૌધરી, નિકુંજદાન ગઢવી, ધનજીભાઈ આયર, કોન્સ. મયંકભાઈ જોશી, મોહનભાઈ ગઢવી, રમેશભાઈ રબારી, નરેન્દ્રસિંહ સોઢા, એલ.સી.બી. શાખાના એ.એસ.આઈ. વિકેશભાઈ રાઠવા, કોન્સ. લાખાભાઈ રબારી વિગેરે જોડાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd