ગાંધીધામ, તા. 13 : અંજારમાં વીડી તરફ જતા કાચા રસ્તેથી પોલીસે
એક ટેમ્પોમાંથી રૂા. 90,000નું 1200 લિટર કાચું સોયાબીન ઝડપી પાડી ટેમ્પોચાલકની ધરપકડ
કરી હતી. અંજારમાં ઢળતી બપોરે પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન, વીડી તરફથી પાવર હાઉસ
બાજુ કાચા રસ્તેથી આવનાર ટેમ્પોમાં ચોરી કે છળકપટથી મેળવાયેલું તેલ હોવાની પૂર્વ બાતમી
પોલીસને મળી હતી જેના આધારે પોલીસે રોટરી નગર, નંદી શાળા પાછળ વીડી તરફ જતા કાચા રસ્તા
પર વોચ ગોઠવી હતી તેવામાં ટેમ્પો નંબર જી.જે.-03-બી.વાય.- 5882વાળું આવતાં પોલીસે તેને
અટકાવી તલાશી લીધી હતી. આ ટેમ્પોના ઠાંઠામાં લોખંડના પાંચ તથા એક પ્લાસ્ટિકનું એવા
200 લિટરની ક્ષમતવાળા છ બેરલ જણાયા હતા જેમાં તમામમાં કાચું સોયાબીન તેલ ભરેલું જણાયું
હતું. આ તેલ અંગે આધાર-પુરાવા ન આપી શકતાં ટેમ્પોચાલક આદિપુરના ભીખુ સુમાર મહેશ્વરીને
પકડી પાડવામાં આવ્યો હતો. આદિપુરના સાધુ વાસવાણી કુંજમાં રહેનાર હરીશ ગોયલે આ તેલ થોડેક
આગળ આવેલા એક વાડામાંથી ભરાવી આપ્યું હતું અને આ જથ્થો અમદાવાદ લઇ?જવાનો હતો. પોલીસે
ચોરી કે છળકપટથી મેળવાયેલ રૂા. 90,000નું 1200 લિટર તેલ જપ્ત કરી ભીખુની ધરપકડ કરી
હતી તેમજ હાજર ન મળેલા હરીશ ગોયલને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગાંધીધામથી સામખિયાળી-આડેસર, મુંદરાથી અંજાર સુધીના
ધોરીમાર્ગની આસપાસ આવેલી અમુક હોટેલોમાં પાણીચોરીની સાથોસાથ તેલ, કોલસા, ચોખા, ઘઉં,
ટાઇલ્સ વગેરે વસ્તુઓની ચોરી થતી હોવાનું તથા અમુક હોટેલોમાં દેશી-અંગ્રેજી દારૂ અને
ગાંજા સહિતના માદક પદાર્થ મળતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.