ભુજ, તા. 1
: દુષ્કર્મ કેસનો સાતેક માસથી નાસતો-ફરતો આરોપી વ્યવસાયે ધારાશાત્રી અને આરટીઆઇ એક્ટિવિસ્ટ
હેનરી જેમ્સ ચાકોને ગઇકાલે દબોચાયા બાદ આજે કોર્ટમાં રજૂ કરતાં તેના બે દિવસના રિમાન્ડ
મંજૂર થયા છે. આજે બપોરે આરોપી હેનરીના મેડિકલ કરાવ્યા બાદ સાંજે બી-ડિવિઝન પોલીસ દ્વારા
મોઢું ઢાંકેલી હાલતમાં આરોપીને ભુજની કોર્ટ પરિસરમાં લવાયા બાદ સેકન્ડ ચીફ?જ્યુડિશિયલ
મેજિસ્ટ્રેટ એચ. પી. પટેલ સમક્ષ રજૂ કરાયા હતા. દુષ્કર્મ કેસ સંબંધિત મેડિકલ પુરાવા
સેમ્પલ મેળવવા તબીબોની ભારે જહેમત છતાં સેમ્પલ ન મળતાં મેડિકલ રિપોર્ટનો પૂરતો અહેવાલ
મળ્યો નથી. રિમાન્ડની માંગ કરતાં બે દિવસ તા. 3/10ના સવારના 11 વાગ્યા સુધી આરોપી હેનરીના
રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હોવાની વિગતો પોલીસ સાધનોએ આપી હતી. સરકાર તરફે સરકારી
વકીલ આર. આર. પ્રજાપતિ હાજર રહી દલીલો કરી હતી. વ્યવસાયે ધારાશાત્રી અને આરટીઆઇ એક્ટિવિસ્ટ
તથા અખિલ ભારતીય અપરાધ એવમ ભ્રષ્ટાચાર નિવારણ પરિષદના સેક્રેટરી હેનરીએ માજી કલેક્ટર
પ્રદીપ શર્મા સામે જથ્થાબંધ બજાર કેસમાં ફરિયાદી છે. જ્યારે આજ હેનરી સામે માર્ચ માસમાં
બી-ડિવિઝન પોલીસ મથકે મહિલાએ દુષ્કર્મનો ગુનો દાખલ કરાવતાં સાતેક માસથી નાસતો-ફરતો
હતો અને તેની અટક બાદ આજે કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કરતાં પૂછતાછમાં આ કેસમાં
અત્યાર સુધી બહાર ન આવેલી કડીઓ આવવાની વકી છે. ઉપરાંત મેડિકલ પુરાવા મેળવવા તજવીજ આદરાશે.