ગાંધીધામ, તા. 5 : રાપર તાલુકાના ફતેહગઢની સીમમાં નીલિયાસર તળાવ
પાસે એક શખ્સે આધેડ મહિલા ઉપર છરી વડે હુમલો કરી
તેમની હત્યા નીપજાવી યુવતીનું અપહરણ કરીને નાસી ગયો હતો. વાગડ પંથકમાં ફરી એકવાર હત્યાના
બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. ફતેહગઢ ગામની સીમમાં નીલિયાસર તળાવ પાસે ગઇકાલે બપોરના
અરસામાં હત્યાનો આ બનાવ બન્યો હતો. ગામની સીમમાં ખેતમજૂરી કરનાર આધેડ મહિલા અને તેમની
દીકરી ગઇકાલે સવારે ઘરેથી નીકળી દળણું દળાવવા માટે નીકળ્યા હતા. ફતેહગઢથી દળણું દળાવી
માતા-પુત્રી આધેડ મહિલાની અન્ય દીકરીને ત્યાં ગયા હતા. ત્યાંથી ચા પી બંને ઘર બાજુ
જવા પગપાળા નીકળ્યા હતા. આ મોટી બહેને પોતાના નાના ભાઇને ફોન કરી માતા-બહેન ઘર બાજુ
આવે છે, તું સામે આવજે તેવું કહેતાં ફરિયાદી યુવાન તેમની સામે જઇ રહ્યો હતો. આ યુવાન
બપોરના અરસામાં નીલિયાસર તળાવ નજીક પહોંચતાં રસ્તામાં તેમના માતા લોહી નિંગળતી હાલતમાં
પડયા હતા. હત્યાના આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે વિગતો આપતાં જણાવ્યું
હતું કે, આરોપી રવિ હીરા કોળી (પારકરા)એ અગાઉ એક યુવતીનું અપહરણ કરી તેને લઇ?ગયો હતો.
બંનેને મૌવાણા ગામથી પકડી લેવાયા હતા. જે તે વખતે સામાજિક રીતે સમાધાન થતાં બનાવ અંગે
ફરિયાદ કરાઇ નહોતી. જે તે વખતે આ શખ્સે કોઇ વચ્ચે આવશો તો જાનથી મારી નાખવાની ધમકી
આપી હતી. ગઇકાલે મહિલા અને યુવતી ફતેહગઢ ગામમાં ગયા હતા, ત્યારે આરોપી ગામમાં નિશાળ
પાસે હાજર હતો. બાદમાં તેણે માતા-પુત્રીનો પીછો કર્યો હતો અને આધેડ?મહિલાના પેટ, ગળા,
કાન નીચે, ખભામાં છરીના ઘા ઝીંકી તેમની નિર્મમ હત્યા કરી યુવતીને સાથે લઇને નાસી ગયો
હતો. નાસી ગયેલા આરોપીને શોધી કાઢવા આગળની તપાસ તેજ કરાઇ હોવાનું પી.આઇ. જે. બી. બુબડિયાએ
જણાવ્યું હતું. આધેડ મહિલાની હત્યા નીપજાવી યુવતીના અપહરણના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી
હતી.