ભુજ, તા. 21 : ગત તા. 11/7ના ગાંધીધામના મીઠીરોહર સામે સર્વિસરોડ
પર કન્ટેનર - ટ્રેઇલરે બાઇકને અડફેટે લેતાં ગાંધીધામના 57 વર્ષીય પ્રવીણભાઇ કાંતિલાલ
સોનીનું ગંભીર ઇજાનાં પગલે સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું, જ્યારે ભુજ તાલુકાના બાઉખા
ઓઢેજામાં 25 વર્ષીય પરિણીતા ખતુબાઇ અબુબખર સુમરાએ આજે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો
હતો. 11મી જુલાઇના સવારે આઠેક વાગ્યે પ્રિન્સ મોબાઇલ મીઠીરોહરની સામે આવેલા સર્વિસરોડ
પર સર્જાયેલા આ માર્ગ અકસ્માત અંગે ગઇકાલે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે, અપનાનગર
ગાંધીધામ રહેતા દીપેશ પ્રવીણભાઇ સોનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 11/7ના તેમના પિતા
પ્રવીણભાઇ બાઇક નં. જી.જે. - 12 - બી.એમ. - 0470વાળી લઇને મીઠીરોહર ગામે કાદરીપીરની
દરગાહે દર્શન કરી પરત આવતા હતા ત્યારે કન્ટેનર ટ્રેઇલર નં. જી.જે.-39-ટી.-0863વાળાએ
પાછળથી ભટકાવી અકસ્માત સર્જતાં તેમના પિતાને ગંભીર ઇજા પહોંચાડી ઘાયલ કરી દીધા હતા.
આથી પ્રથમ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા
હતા, જ્યાં તા. 12/7ના સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. ટ્રેઇલરચાલક વિરુદ્ધ ફરિયાદ
નોંધાવી છે. બીજીબાજુ ભુજ તાલુકાના બાઉખા ઓઢેજા ગામમાં રહેતા ખતુભાઇ સુમરાએ આજે સવારે
નવેક વાગ્યાના અરસામાં કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરની છતમાં હૂકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો
ખાઇ લેતાં તેને સારવાર અર્થે ભુજની જી.કે.
જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. ખતુબાઇના
આઠેક વર્ષના લગ્નગાળા દરમ્યાન સંતાનમાં બે દીકરા હોવાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં
નોંધાવાઇ છે. આ અંગે માનકૂવા પોલીસને જાણ કરાઇ છે.