• શુક્રવાર, 10 મે, 2024

માનકૂવામાં ટ્રક હડફેટે બે યુવાનનાં અકાળે મોત

ગાંધીધામ, તા. 26 : ભુજ તાલુકાના માનકૂવામાં પેટ્રોલપંપ નજીક ટ્રકે બાઇકને હડફેટમાં લેતાં ભુજ તાલુકાના નાગિયારી ગામના ઇલિયાસ રફીક ત્રાયા (ઉ.વ. 20) તથા અલ્ફાઝ અલારખા બાફણ (ઉ.વ. 21) નામના યુવાનનાં એકસાથે મોત થયા હતા. બીજીબાજુ અંજાર-મુંદરા માર્ગ ઉપર આગળ ઊભેલી ટ્રકમાં પાછળથી ટ્રક ભટકાતાં પાછળની ટ્રકમાં સવાર મનોજસિંઘ પૂનમસિંઘ ચૌહાણ નામના યુવાનનું મોત થયું હતું. માનકૂવામાં ભૂમિ પેટ્રોલપંપ પાસે આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નાગિયારી ગામમાં રહેનાર ઇલિયાસ અને અલ્ફાઝ નામના યુવાન બાઇક ઉપર સવાર થઇ માનકૂવા બાજુ આવી રહ્યા હતા દરમ્યાન, તેમને આ અકસ્માત નડયો હતો. માનકૂવા બાજુથી નખત્રાણા બાજુ તીવ્ર ગતિએ જઇ રહેલી ટ્રકે આ બાઇકને હડફેટમાં લેતાં બાઇકનો બુકડો બોલી ગયો હતો અને બાઇક ઉપર સવાર બંને યુવાનને માથા સહિતની જગ્યાએ ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. આ જીવલેણ અકસ્માતના પગલે બનાવ સ્થળે લોકો એકઠા થઇ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા બંને યુવાનને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઇ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે બંને યુવાનને મૃત જાહેર કર્યા હતા. બંનેના પી.એમ. કરાયા બાદ આ યુવાનોની દફનવિધિ કરવામાં આવી હતી. એક જ ગામમાં એકીસાથે બે યુવાનની અર્થી નીકળતાં ગામમાં ભારે શોકની લાગણી પ્રસરી હતી. પોલીસે આ બનાવમાં ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. બીજીબાજુ અંજાર-મુંદરા માર્ગ ઉપર અંજાર નજીક આઇ માતા હોટેલ પાસે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. મનોજસિંઘ નામનો યુવાન ટ્રક નંબર જી.જે. 12 એ.વાય. 3095 લઇને મોરબી ટાઇલ્સ ભરવા ગયો હતો ત્યાંથી આ માલ ખાલી કરવા તે મુંદરા બાજુ આવી રહ્યો હતો દરમ્યાન, આઇ માતા હોટેલ પાસે તેને અકસ્માત નડયો હતો. આગળ ઉભેલ ટ્રક નંબર જી.જે. 12 બી.વી. 5353માં આ ટ્રક પાછળથી ભટકાતાં ચાલક મનોજને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. તેના વિરુદ્ધ વન્નાસિંહ ભેરૂસિંહ ચૌહાણ (રાજપૂત)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang