• શનિવાર, 20 ડિસેમ્બર, 2025

આદિપુરમાં યુવાને ફાંસો ખાઇ જીવ દીધો : પત્રીમાં યુવતીએ જીવન ટૂંકાવ્યું

ગાંધીધામ, તા. 19 : શહેરના સેક્ટર-7 વિસ્તારમાં રહેનાર દેવીબેન દેવા રબારી (ઉ.વ. 25) નામની યુવાન પરિણીતાએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. બીજીબાજુ આદિપુરમાં વીરેશ કમલસિંહ ધનાગર (ઉ.વ. 28)એ ગળેફાંસો ખાઇ છેલ્લા શ્વાસ લીધા હતા તેમજ મુંદરાના પત્રીમાં ઝેરી દવા પી લઇ કાજલ મહિપાલ ઠાકોર (ઉ.વ 22)એ મોતની સોડ તાણી હતી. શહેરના સેક્ટર-7 મકાન નંબર 350માં રહેનાર દેવીબેન રબારીએ તા. 18/12ના વહેલી પરોઢે 4.30 પહેલાં અંતિમ પગલું ભરી લીધું હતું. તેમના પતિ દેવાભાઇ તથા આ યુવતી રાત્રે સૂઇ ગયા હતા, બાદમાં સવારે આ યુવાન પરિણીતા લટકતી હાલતમાં મળ્યા હતા. એક વર્ષનો લગ્નગાળો ધરાવનાર આ મહિલાએ અગમ્ય કારણોસર લાકડાંની આડીમાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આદિપુરના સી.બી.એક્સ. સાતવાળી મકાન નંબર-368માં વધુ એક આપઘાતનો બનાવ બન્યો હતો. અહીં રહેનાર વીરેશ નામના યુવાને પોતાના ઘરે પંખામાં રસ્સી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. બ્રિજેશકુમાર તેને જોવા આવતાં આ યુવાન લટકતી હાલતમાં મળ્યો હતો. બનાવ પછવાડેનું કારણ જાણવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. અપમૃત્યુનો ત્રીજો બનાવ મુંદરાના પત્રી ગામમાં સામજીભાઇ આહીરની વાડીમાં બન્યો હતો. કાજલ ઠાકોર નામની યુવતીએ અગમ્ય કારણોસર પાકમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી જ્યાં સારવાર દરમ્યાન તેણે દમ તોડી દીધો હતો.

Panchang

dd