ભુજ, તા. 19 : ડો.
જયંત ખત્રી સ્મારક સાહિત્ય સભા `સંસ્મૃતિ' ભુજના ઉપક્રમે મહારાવકુમાર
ભૂપતસિંહજી હોલ, વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય ખાતે ડો.
જયંત ખત્રી - બકુલેશ અને ડો. મનુભાઈ પાંધી એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો. 1995થી દર
વર્ષે યોજાતા આ બન્ને એવોર્ડ વર્ષ 2024 માટે ગુજરાતી સાહિત્યમાં વિશેષ
પ્રદાન આપનારા દશરથ પરમારને તેમજ કચ્છી સાહિત્યમાં વિશેષ પ્રદાન આપનારા આસમલ
ધુલિયાને વર્ષ 2025નો ડો. મનુભાઈ પાંધી એવોર્ડ કાર્યક્રમના
અધ્યક્ષ રમીલાબેન મહેતા, કાર્યક્રમના અતિથિવિશેષ એવા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઈ પટેલ,
કીર્તિભાઈ ખત્રી, સંસ્મૃતિના મંત્રી ઝવેરીલાલ
સોનેજીના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે આવકાર પ્રવચન
ઝવેરીલાલ સોનેજીએ આપ્યો હતો. આ પ્રસંગે સંસ્મૃતિના પ્રમુખ રમીલાબેન મહેતાએ કચ્છ
યુનિ.ના ડો. મોહનભાઈ પટેલનું સન્માન કર્યું હતું. સાહિત્યપ્રેમી અને શહેરના જાણીતા
એડવોકેટ શંકરભાઈ સચદેએ દશરથ પરમારનું, જ્યારે ભારતીબેન
પાંધીએ આસમલભાઈ ધુલિયાનું સ્વાગત કર્યું હતું. એવોર્ડ વિજેતા એવા આસમલભાઈ ધુલિયાનો
પરિચય આપતા જાણીતા વાર્તાકાર માવજીભાઈ મહેશ્વરીએ તેમની કચ્છી કવિતાઓમાં રહેલા
વિશેષ ભાવની વાત વણી લીધી હતી, જ્યારે દશરથભાઈ પરમારનો પરિચય
ડો. દર્શનાબેન ધોળકિયાએ આપતાં કહ્યું હતું કે, તેમની વાર્તાઓ
સંવેદનાઓથી સભર છે. તેમની વાર્તાઓમાં જીવનના અનુભવો ડોકાતા હોવાનું તેમણે ઉમેર્યું
હતું. દશરથભાઈ પરમારની વાર્તાઓમાં ત્રીનું સૂક્ષ્મ સંવેદન પણ જોવા મળે છે. ડો.
દર્શનાબેને દશરથભાઈ પરમારના સંદર્ભમાં જણાવ્યું કે, તેમના
થકી વાર્તાની આજ અને આવતીકાલ સલામત છે એમ વિવેચકો જણાવે છે. એવોર્ડ સ્વીકાર બાદ
આસમલભાઈ ધુલિયાએ તેમના પ્રતિભાવોમાં `સંસ્મૃતિ' અને એવોર્ડ પસંદગી
સમિતિનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે આસમલભાઈએ `નૂરાની
નૂર' નામક
કવિતા અને અન્ય કચ્છી કવિતાઓનો રસાસ્વાદ કરાવ્યો હતો. ડો. જયંત ખત્રી- બકુલેશ
એવોર્ડ વિજેતા ગુજરાતી વાર્તાકાર દશરથભાઈ પરમારે પોતાના પ્રતિભાવોમાં એવોર્ડ બદલ
સ્વીકૃતિનો સહજ આનંદ અને આભાર હોવાનું જણાવ્યું હતું. તેમણે કચ્છ પ્રદેશનું તેમને
વિશેષ આકર્ષણ હોવાની વાત કરતાં ઉમેર્યું કે કચ્છનું લોકજીવન, રહેણી-કરણી, ઐતિહાસિક સ્થળોનું સ્મરણણ અને કચ્છીયતને
ઉજાગર કરતાં લેખકોનાં સર્જનમાં કચ્છ ધબકતું હોવાનું જણાય છે. 1999ની
પ્રથમ કચ્છયાત્રાથી તેમણે કચ્છનાં સંસ્મરણો વાગોડતાં કહ્યું હતું કે, ડો. જયંત ખત્રીની
વાર્તાઓ અને તેમાં રહેલી વાતોને હું શબ્દસહ યાદ કરું છું અને ડો. ખત્રી
પરિવેશપ્રધાન વાર્તાના પ્રથમ સર્જક હોવાનો મત તેમણે વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે
તેમણે બકુલેશની વાર્તાઓ વિશે પણ વાત માંડી હતી. શ્રી પરમારે પોતાની સર્જનયાત્રા
અંગે વાત કરતાં પ્રકૃતિવર્ણન, ગ્રામ્ય પરિવેશ, વિવિધ અવસરો અને તહેવારો, ગ્રામ્ય જીવન, ખેતરની કાળી મજૂરી તથા વર્તમાન સમયની અંદર લેખનના પ્રયાસની વાત વણી લેતાં
ઉમેર્યું કે, સાહિત્ય જગત હાલ સંકુલતા અને વિચિત્રતાનાં
પરિવર્તનનો સામનો કરી રહ્યું છે. આવનારા
પડકારોની વાતો વર્ણવતાં તેમણ સોશિયલ મીડિયા અને એઆઈનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે,
ભાષા અને પ્રત્યાયન માટે સાહિત્ય કલાનું સશક્તિકરણ એક અસરકારક
માધ્યમ પુરવાર થશે. તેમણે પુરસ્કાર પ્રાપ્ત કર્યા બાદ તેમની સાહિત્યકાર તરીકે
જવાબદારી વધી ગઈ હોવાની નિખાલસ કબૂલાત કરતાં જણાવ્યું કે, ટૂંકી
વાર્તાના સીમાસ્તંભ સમાન ડો. જયંત ખત્રી અને બકુલેશ જેવા ઉચ્ચ કોટિના વાર્તાકારનું
નામ તેમનાં નામ સાથે જોડાતાં વિશેષ આનંદ થયો હોવાનું કહ્યું હતું. અતિથિવિશેષ
સ્થાનેથી ઉદ્બોધન કરતાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઈ પટેલે ચર્ચાઓ થકી
સાહિત્યસર્જન થતું હોવાનું જણાવી આજે ઘટતા વાંચન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે
ડો. ખત્રીની વાર્તા પરથી રચાયેલ ફિલ્મ `ધાડ'ની વાત પણ વણી લીધી હતી.
અધ્યક્ષીય ઉદ્બોધન કરતાં સંસ્મૃતિના પ્રમુખ રમીલાબેન મહેતાએ વિદ્યા કલા સ્વરૂપે
દરેક સર્જકને મદદ કરે છે. તેમણે સંસ્મૃતિની સ્થાપનાથી આજ દિન સુધી સારથિ સ્વરૂપે
પોતે સાક્ષી રહ્યા હોવાનું ગૌરવ પ્રગટ કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે,
દરેક સર્જનમાં માનવતાનો રણકો હોવો જોઈએ. સોશિયલ મીડિયા સામે ટકવાના
ઉપાયો વિચારવા સંયુક્ત પ્રયાસોની તેમણે હાકલ કરી હતી. સર્જન કલામાં હાલે વિષય
વૈવિધ્ય ન રહ્યું હોવાનો તેમણે વસવસો વ્યક્ત કરતાં નવા સર્જકોને તે અંગે વિચારવા
કહ્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ સંસ્થાના કારોબારી સભ્ય ગૌતમભાઈ જોશીએ કરી
હતી. આ કાર્યક્રમમાં ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, ગોરધન પટેલ `કવિ', રમણીક સોમેશ્વર,
રસિકભાઈ મકવાણા, ભગીરથ ધોળકિયા, ભરત સોની, નીતિન ઠક્કર, હંસાબેન
ભીંડી, પૂજાબેન ગઢવી `મંથના', પરમાનંદ જોષી, દિલીપ આચાર્ય, પંકજભાઈ જે. ખત્રી, કૃષ્ણકાંત ભાટિયા, કે.આર. ખીએરા, નરસિંહ ગઢવી, તરુણકાંત કોડિયા, મહેશભાઈ મહેશ્વરી તથા અલ્તાફ ખત્રી સહિતના સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા
હતા. સંચાલન પૂજા કશ્યપે કર્યું હતું.