જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રિ અને દિવાળી. પર્વશૃંખલા આંગણે આવીને
ઊભી છે તે વેળાએ જ મીઠાશ મોંઘી થઈ રહી છે. ખાંડના ભાવ બુલેટટ્રેનની ગતિથી વધી રહ્યા
છે. ચર્ચા સૌ કોઈ કરે છે, મુશ્કેલી બધાને છે, પરંતુ વ્યક્ત કોઈ થતું નથી. ખાંડ જેવી રાજિંદા વપરાશની વસ્તુમાં ટૂંકા ગાળામાં
40 ટકા જેટલો વધારો સામાન્ય બાબત
નથી. ચર્ચા કારણોની થઈ રહી છે, પરિણામની
નહીં, ખાંડ મોંઘી થઈ છે તે અગત્યનું છે. પુન: ભાવ ઘટે તે જરૂરી
છે અને કોઈ ચીજવસ્તુના ભાવ એકવખત વધે પછી તરત નિયંત્રણમાં આવે તેવું બનતું હોતું નથી.
પેટ્રોલમાં ઈથેનોલનો ઉપયોગ થાય છે તેને લીધે ખાંડનાં ઉત્પાદન ઉપર અસર પડી તેવા તર્કને
સરકાર સંપૂર્ણ નકારી રહી છે. શેરડીના પાકમાં નબળાં ચોમાસાં, ખરાબ
ઋતુને લીધે ઘટાડો થયો છે. જો કે, તો પછી ઈથેનોલ બનાવવાની મંજૂરી
શા માટે સરકારે આપી? આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવ જે થયા
છે તેની પણ અસર પડી છે. સરકાર કહે છે ઈથેનોલનો ત્રણ ચતુર્થાંશ હિસ્સો અનાજ અને મકાઈના
લોટમાંથી આવે છે. આ બધાં કારણ અને તે માટે સરકારના જવાબ કે સ્પષ્ટતા છે. સ્થિતિ એ છે
કે ખાંડ મોંઘી છે. તહેવાર નજીક છે. સૌરાષ્ટ્રમાં તો જન્માષ્ટમી મુખ્ય તહેવાર છે. તે
સમયે ખાંડ મોંઘી થશે, તો સંગ્રહખોરો તેનો ગેરલાભ ઊઠાવે તેવી શક્યતા
પણ નકારી શકાય નહીં તેવું પહેલાં વિચારવાની જરૂર હતી. સરકારે ખાંડના ભાવને નિયંત્રણમાં
લેવા માટે દસ લાખ ટન ખાંડ આયાત કરવાનો નિર્ણય લીધો ઉપરાંત વિક્રેતાઓ ઉપર નજર રાખવાનું
શરૂ કર્યું, સંગ્રહની મર્યાદા નક્કી કરી છે અને તેવી પ્રવૃત્તિ
સામે આકરાં પગલાં લેવાની પણ તૈયારી છે તે આવકાર્ય છે, હવે તેની
અસર કેવી થાય છે તે પ્રશ્ન છે. ખાંડના વધતા ભાવ માટે ઈથેનોલ નીતિ જવાબદાર નથી તેવું
સાબિત કરવા સરકાર તમામ મથામણ કરી રહી છે અને વિપક્ષ મચી પડયો છે આ કારણ જ છે તેવું
પુરવાર કરવા. ઈથેનોલ વાળાં પેટ્રોલથી વાહનની એવરેજ ઘટે છે તે વાતથી તો સરકારે પણ સ્પષ્ટ
ઈન્કાર કર્યો નથી તેથી વિપક્ષનું જોર વધ્યું. શેરડીની ખેતી અને ખાંડની મિલોને ઈથેનોલ
નીતિને લીધે લાભ મળ્યો છે તેવું સરકારે કહ્યું તેના ઉપરથી હવે લાગે છે કે, ઈથેનોલ ઉપર થોડો પુનર્વિચાર થવાની શક્યતા નથી. માની લઈએ કે, ઈથેનોલ નીતિને
લીધે ખાંડના ભાવ નથી વધ્યા, તોય હવે તેની ઉપેક્ષા થઈ શકે તેમ
નથી. કારણ કે, વિવાદનો મુદ્દો તો એ પણ છે. ઈથેનોલયુક્ત પેટ્રોલને
લીધે પેટ્રોલિયમ પેદાશોની આયાતમાં વપરાતાં વિદેશી હૂંડિયામણની બચત પણ થાય છે,
પરંતુ તે બચતથી ફાયદો કેટલો અને સામે જે આ થઈ રહ્યું છે તે નુકસાનનું
શું ? ઈ-20 ઈંધણ પર્યાવરણ માટે લાભદાયી સાબિત થાય છે તે પણ વિચારવું રહ્યું.
અલબત્ત, પેટ્રોલના ભાવની સ્થિતિ હોર્મુઝ ખાડી અને અમેરિકા-ઈરાનનાં
યુદ્ધ ઉપર નિર્ભર છે. શરૂઆતમાં સરકારે પેટ્રોલના ભાવ વધવા દીધા નહોતા, પરંતુ ખાંડની કિંમત સાવ સરકારનાં નિયંત્રણ બહાર હોય તેવું નથી. તહેવાર ન હોય,
તો પણ ખાંડ રસોડાંનો હિસ્સો છે. દરરોજ પીવાતાં ચા-કોફીથી લઈને દરેક વસ્તુમાં
ખાંડનો ઉપયોગ છે અને તેના ભાવ પ્રતિકિલો 70 રૂપિયાનો આંક વટાવે તે સ્થિતિ વિચિત્ર છે, મીઠાશ આટલી મોંઘી ન થવી જોઈએ.